05 January, 2026 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહિસર-ઈસ્ટના આનંદનગરમાં રહેતા ૩૪ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) હિતેશ ગોંડલિયાને ફ્લૅટ વેચવાના નામે તેની સાથે ૨૯.૫૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દહિસર પોલીસ રિયલ એસ્ટેટ એજન્ટ દીપક શાહની ધરપકડ કરીને આ મામલે સહઆરોપી રાજેશ જૈન અને આદિત્યની શોધખાળ કરી રહી છે. હિતેશ ઑગસ્ટમાં સોશ્યલ મીડિયા પરની એક વેબસાઇટ પર ઘરની શોધખોળ કરતો હતો ત્યારે રાવલપાડા વિસ્તારની એક સોસાયટીમાં તેને 2BHKનો ફ્લૅટ ગમ્યો હતો. એ પછી ઘરમાલિકનો નંબર મેળવવા જતાં તેનો ભેટો રિયલ એસ્ટેટ એજન્ટ આદિત્ય સાથે થયો હતો. એ પછી ઑગસ્ટથી ઑક્ટોબર સુધી ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફ્લૅટ માટેના પૈસા સ્વીકાર્યા હતા એવો આરોપ ૮ નવેમ્બરે નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું બન્યું હતું એ જણાવ્યું પોલીસે?
દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સર્જેરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દહિસરના આનંદનગરમાં ભાડાના એક ફ્લૅટમાં મમ્મી-પપ્પા સાથે રહેતો હિતેશ ફ્લૅટ શોધી રહ્યો હતો. ૧૯ ઑગસ્ટે તે એક જાણીતી વેબસાઇટ પર દહિસરમાં 2BHK ફ્લૅટ શોધતો હતો ત્યારે રાવલપાડાની એક સોસાયટીના 2BHK ફ્લૅટની જાહેરાત જોવા મળી હતી અને ફ્લૅટની કિંમત ૧.૦૫ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી અને સાથે વેબસાઇટ પર ફ્લૅટના ફોટો પણ હતા. એ ફોટો જોયા પછી હિતેશને ફ્લૅટ ગમતાં તેણે વેબસાઇટ પર દર્શાવેલા નંબર પર સંપર્ક કર્યો ત્યારે એક વ્યક્તિએ પોતાની ઓળખ રિયલ એસ્ટેટ એજન્ટ આદિત્ય તરીકે આપીને રાવલપાડા વિસ્તારમાં ફ્લૅટ જોવા બોલાવ્યો હતો. હિતેશ પપ્પા મનસુખભાઈ સાથે ફ્લૅટ જોવા ગયો અને તેને ફ્લૅટ ગમી જતાં તેણે ખરીદવાનું નક્કી કર્યું. એ પછી આદિત્યએ હિતેશની મુલાકાત દીપક શાહ અને રાજેશ જૈન સાથે કરાવી હતી અને રાજેશ ફ્લૅટનો માલિક હોવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ હિતેશે ફ્લૅટ ખરીદવા માટે ૨૯.૫૬ લાખ રૂપિયા ચૂકવીને ફ્લૅટ રજિસ્ટ્રેશન થયા બાદ બૅન્ક-લોન લઈને બાકીની રકમ આપવાનો વાયદો કર્યો હતો. જોકે પૈસા આપ્યાના મહિનાઓ બાદ પણ જ્યારે રજિસ્ટ્રેશન માટે રિયલ એસ્ટેટ એજન્ટ્સ અને રાજેશ જૈન સતત ટાળંટાળ કરતા હોવાનું જોઈને હિતેશને શંકા ગઈ હતી. ત્યાર બાદ તેણે તહસીલદાર ઑફિસમાં ફ્લૅટની માલિકીની વિગતો તપાસી ત્યારે જાણવા મળ્યું કે આરોપીએ મૂળ માલિકના ફોટો રાજેશ જૈનના ફોટો સાથે બદલીને તેને ખોટા દસ્તાવેજ પૂરા પાડ્યા હતા. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ફ્લૅટના મૂળ માલિક પાસેથી રિયલ એસ્ટેટ એજન્ટોએ ફ્લૅટના દસ્તાવેજની એક નકલ લીધી હતી જેનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે થયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.’