20 April, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડ-વેસ્ટમાં પોલીસ-સ્ટેશન સામે પ્રદર્શન કરી રહેલા કિરીટ સોમૈયા અને સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચા.
મસ્જિદો પરનાં ગેરકાયદે લાઉડસ્પીકર સામે કાર્યવાહી કરવાનો આદેશ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જને આપવામાં આવ્યો હોવા છતાં પોલીસ પગલાં ન લેતી હોવાનું ધ્યાનમાં આવતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે બપોરના મુલુંડમાં પોલીસ-સ્ટેશનની સામે જલારામ માર્કેટમાં આવેલી મસ્જિદનાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવા માટે સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચા સહિતના નેતાઓ સાથે આંદોલન કર્યું હતું.
કિરીટ સોમૈયાએ આ સમયે કહ્યું હતું કે ‘કોર્ટ અને પોલીસ વિભાગ દ્વારા મસ્જિદો પરનાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં પોલીસ પગલાં નથી લઈ રહી. લોકોમાં ગેરકાયદે લાઉડસ્પીકર બાબતે જાગૃતિ આવે એ માટે ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ કાર્યવાહી કરવા માગે છે, પણ ઉદ્ધવસેના અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નેતાઓ પોલીસ પર દબાણ લાવી રહ્યા છે. આવા નેતાઓ સામે હું કાયદાકીય પગલાં લઈશ.’