26 January, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેરુળ
પ્રજસત્તાક દિનની ઉજવણીની તૈયારીરૂપે ગઈ કાલે નવી મુંબઈના નેરુળમાં એક મૉલમાં કેટલાક કલાકારોએ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને રંગોળીમાં તાદૃશ કરી હતી. પહેલી વાર વર્લ્ડ કપ જીતેલી વિમેન્સ ટીમના ઉત્સાહ અને દેશપ્રેમને તેમણે એમાં આલેખવાની કોશિશ કરી હતી. તેમની કલાકારી જોવા ઘણા લોકો શૉપિંગ છોડીને ઊભા રહી ગયા હતા.
પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગેટવે ઑફ ઇન્ડિયાને તિરંગાની લાઇટિંગથી રોશન કરવામાં આવ્યો હતો. આઝાદીની લડત અને ‘વંદે માતરમ’ને થયેલાં ૧૫૦ વર્ષના સ્મરણાર્થે સૈન્યની આર્ટિલરી સેન્ટર બ્રાસ ઍન્ડ પાઇપ બૅન્ડ અને MG&G ગેરિસન બટૅલ્યન પાઇપ બૅન્ડે દેશની આઝાદી પર દેશભક્તિનાં ગીતોની સુંદર રજૂઆત કરી હતી. તસવીર : અતુલ કાંબલે
અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં થઈ રહેલા અંગદાનમાં લિવરના દાનની બેવડી સદી થઈ છે. બ્રેઇન-ડેડ મહિલાના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરીને એક લિવર અને બે કિડનીનું દાન કર્યું હતું જેના પગલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી ૨૦૦ લિવરનું અંગદાન થયું હતું. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘આજ સુધીમાં સિવિલ હૉસ્પિટલમાં ૨૨૬ અંગદાન થયાં છે જેમાં કુલ ૭૪૯ અંગ મળ્યાં છે. આ અંગદાનમાં અત્યાર સુધીમાં ૨૦૦ લિવર મળ્યાં છે. આ ઉપરાંત ૪૧૬ કિડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં અને બે નાનાં આંતરડાં મળ્યાં છે. આ ઉપરાંત ૧૭૪ આંખ અને ૩૪ ચામડીનું દાન મળ્યું છે.’
ફૅશનનું કાશી ગણાતા પૅરિસમાં આએ દિન અળવીતરાં કૉસ્ચ્યુમ્સ જોવા મળે છે. તાજેતરમાં સ્પ્રિંગ/સમર ૨૦૨૬ કલેક્શનમાં જુલિયન ફૉર્ની નામના ડિઝાઇનરની પૅરિસની વર્કશૉપમાં એક શિલ્પ રજૂ થયું છે. સફેદ માર્બલમાંથી બનાવેલી બ્રેસિયરનું શિલ્પ આ વખતે મૉડલ્સ પહેરીને રજૂ કરશે. લાગે છે હવે માણસ ફરીથી પાષાણયુગ તરફ જઈ રહ્યો છે.