રિક્ષાની બ્રેક ફેલ થઈ અને ગુજરાતી મહિલાનો જીવ છીનવાઈ ગયો

02 January, 2025 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષાએ ફુટપાથ પર ચડીને મુલુંડનાં સિનિયર સિટિઝનને અડફટે લીધાં, માથામાં ગંભીર ઈજાઓ થવાથી થયું મૃત્યુ

વસંતબહેન સોમૈયા (ઠક્કર)

મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૭૬ વર્ષનાં વસંતબહેન માધવજી સોમૈયા (ઠક્કર) મંગળવારે સવારે મહાકવિ કાલિદાસ રોડ પરથી ચાલતાં-ચાલતાં સ્વામીનારાયણ મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે બ્રેક ફેલ થયેલી રિક્ષાની અડફેટે આવતાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે મુલુંડ પોલીસે રિક્ષા-ડ્રાઇવર મહાદેવ ચવાણ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી અને આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. વસંતબહેન ફુટપાથ પરથી ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે રિક્ષાએ ફુટપાથ પર ચડીને વસંતબહેનને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે તેમના માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હોવાની માહિતી પોલીસે આપી હતી.

સ્વામીનારાયણ મંદિરમાં જવાનો મમ્મીનો નિત્યક્રમ હતો અને ખાસ મંદિરમાં રોજ જઈ શકે એ માટે તેઓ મુલુંડમાં એકલાં રહેતાં હતાં એમ જણાવીને વસંતબહેનની પુત્રી પ્રીતિ લખધીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્ન પછી હું ડોમ્બિવલી રહેવા ગઈ હતી. હું તેમનું એકમાત્ર સંતાન હોવા છતાં મંદિરમાં રોજ જવા મળે એટલા માટે મમ્મી મારી સાથે ન રહીને એકલાં મુલુંડમાં રહેતાં હતાં. મંગળવારે સવારે હું ઘરે હતી ત્યારે પોલીસે મને ફોન કરી જાણ કરી કે મમ્મીનો અકસ્માત થયો છે એટલે તાત્કાલિક હું મુલુંડ આવીને હૉસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં ડૉક્ટરોએ મમ્મીનું મૃત્યુ થયું હોવાના સમાચાર આપ્યા હતા. મંગળવારે સવારે આઠ વાગ્યાની આસપાસ મમ્મીએ ઘરેથી નીકળતાં પહેલાં પોતાની દવા લીધી હતી. ત્યાર બાદ મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલની સામેની ફુટપાથ પરથી ચાલીને સ્વામીનારાયણ મંદિર તરફ જઈ રહ્યાં હતાં. દરમ્યાન નવ વાગ્યાની આસપાસ પાછળથી આવતી એક રિક્ષાએ મમ્મીને પાછળ બાજુથી ટક્કર મારી હતી જેને કારણે મમ્મીનું માથું જમીન પર અથડાયું હતું. ભેગા થયેલા લોકોએ તેને તાત્કાલિક ઇલાજ માટે અગ્રવાલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે ત્યાંના ડૉક્ટરે ઇલાજ કરતાં પહેલાં જ તેમને મૃત જાહેર કર્યાં હતાં.’

રિક્ષાડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે માહિતી આપી છે કે તેની રિક્ષાની બ્રેક ફેલ થઈ જવાથી તેનો રિક્ષા પરથી કન્ટ્રોલ છૂટી જવાથી અકસ્માત થયો હતો. આ મામલે અમે રિક્ષા જપ્ત કરી છે. એની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. એની સાથે ડ્રાઇવરે વાહન ચલાવતી વખતે નશો કર્યો હતો કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. - મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી

mumbai news mumbai mulund road accident gujaratis of mumbai mumbai police Crime News mumbai crime news