મુંબઈમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે

26 December, 2024 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષના ૫૪૧૦ની સરખામણીએ આ વર્ષે ૫૮૩૭ ગુના નોંધાયા : સૌથી વધુ કેસ મહિલાઓના વિનયભંગના છે

પ્રતીકાત્મક તસવીર

મહિલાઓ અને સગીર કિશોરીઓ પર અત્યાચારનું પ્રમાણ મુંબઈમાં વધી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈને નવેમ્બર સુધીમાં રોજના ઍવરેજ ૧૮ ગુના સાથે કુલ ૫૮૩૭ ગુના નોંધાયા છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમ્યાન ૫૪૧૦ ગુના નોંધાયા હતા. આમ આ વર્ષે ૫૮૧ ગુના વધુ નોંધાયા છે. પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી, કાયદામાં કરવામાં આવેલા ફેરફાર, સામાન્ય જનતાનો રોષ અને કોર્ટ દ્વારા અપાતી સજા છતાં ગુનેગારોમાં એનો ડર ન હોવાનું જણાઈ રહ્યું છે.

આ વર્ષે દાખલ કરાયેલા ગુનાઓમાં સૌથી વધુ મહિલાઓના વિનયભંગના ગુના હોવાનું જણાઈ આવ્યું છે. નવેમ્બર સુધીમાં ૨૨૧૫ ગુના ​તો વિનયભંગના જ નોંધાયા છે. ત્યાર બાદ બીજો નંબર ૧૧૨૫ કેસની સાથે સગીર યુવતીઓના અપહરણનો આવે છે. આ જ સમયગાળામાં ગયા વર્ષે વિનયભંગના ૧૯૬૮ અને અપહરણના ૧૦૭૧ કેસ નોંધાયા હતા.

મહિલાઓ પર થતા અત્યાચાર સંદર્ભે પોલીસ દ્વારા જનજાગૃતિ કરવામાં આવે છે. મ‌હિલાઓને જાતીય અત્યાચારો બાબતે માહિતગાર કરવામાં આવે છે. નિર્ભયા પથક અને પોલીસદીદી જેવા ઉપક્રમો દ્વારા સ્કૂલો અને કૉલેજોમાં પણ ગુડ ટચ–બૅડ ટચ વિશે માહિતી આપવામાં આવે છે. આ જ કારણસર હવે મહિલાઓ, કિશોરીઓ ફરિયાદ કરવા આગળ આવી રહી છે.  

આંકડાબાજી
ગુનો    ૨૦૨૩    ૨૦૨૪
સગીર પર બળાત્કાર    ૫૩૧    ૫૬૫
પ્રૌઢ મહિલા પર બળાત્કાર    ૩૪૭    ૩૯૩
સગીરનું અપહરણ    ૧૦૭૧    ૧૧૨૫
પ્રૌઢ મહિલાનું અપહરણ     ૧૦    ૦૪
સગીરનો વિનયભંગ    ૪૫૧    ૬૧૭
સગીર પર અત્યાચાર    ૫૩૧    ૫૬૫
સગીરને પ્રૉસ્ટિટ્યુશનમાં ધકેલવી    ૦૦    ૦૩
મહિલાઓનો વિનયભંગ    ૧૯૬૮    ૨૨૧૫
દહેજ માટે હત્યા    ૦૦    ૦૧
હત્યા    ૧૬    ૨૩
માનસિક-શારીરિક ત્રાસ    ૬૧૬    ૪૦૫

mumbai news mumbai Protection of Children from Sexual Offences Act POCSO sexual crime mumbai crime news mumbai crime branch