ઘાટકોપરમાં ધોળે દિવસે ભરબજારે લૂંટ, ફાયરિંગ અને છરીથી હુમલો

16 October, 2025 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્વેલરની દુકાનમાં ઘૂસીને લૂંટારાઓએ માલિકના ગળે છરી મારી, દાગીના લૂંટીને નાસી ગયા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરના કાંતા બિલ્ડિંગમાં આવેલી દર્શન જ્વેલર્સમાં ગઈ કાલે સવારે ચકચાર મચાવે એવી ઘટના બની હતી. મોઢા પર માસ્ક લગાડીને આવેલા ત્રણ માણસોએ છરી અને બંદૂક બતાવીને લૂંટ ચલાવી હતી. લૂંટારાઓને ભાગતા અટકાવવાનો પ્રયાસ કરવા જતાં ૨૮ વર્ષનો દુકાનમાલિક દર્શન મેટકરી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સંપૂર્ણ ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ મામલે ઘાટકોપર આ પોલીસે લૂંટારાઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. ધોળે દિવસે બનેલી આ ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ કેસમાં આરોપીઓને શોધવા માટે ઝોન ૭ અંતર્ગત આવતાં ૧૦ પોલીસ-સ્ટેશનના સ્પેશ્યલ ઑફિસરોની ૬ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે પણ સેપરેટ તપાસ શરૂ કરી છે.

શું કહે છે પોલીસ?

ઘાટકોપર ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) શૈલેશ પાસલવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી આશરે ૩ તોલાના દાગીના લઈને નાસી ગયો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. દુકાનના માલિકનો પુત્ર હૉસ્પિટલમાં ઍડ્‍મિટ હોવાથી તેની સારવાર બાદ વધુ માહિતી અમને મળશે. આ કેસમાં ગમછો બાંધીને આવેલા બે આરોપીઓ સાથે વધુ એક આરોપી હતો જે દુકાનની બહાર ચોકી કરી રહ્યો હોવાની માહિતી મળી છે. સ્થાનિક નાગરિકોએ ભાગી રહેલા આરોપીઓનો પીછો કરવાની કોશિશ કરી હતી. જોકે આરોપીઓ હવામાં ફાયરિંગ કરીને ઇન્દિરાનગરની ટેકરી તરફ નાસી ગયા હતા. આ કેસમાં આરોપીઓને શોધવા માટે ટીમો તૈયાર કરવામાં આવી છે જેઓ વિવિધ ઍન્ગલ પર કામ કરી રહી છે.’

કેવી રીતે થઈ લૂંટ?

દર્શન જ્વેલર્સના માલિક અને દર્શનના પિતા મધુકર મેટકરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ દર્શને દુકાન ખોલી હતી. આ દરમ્યાન સાફસફાઈ અને ભગવાનની પૂજા કર્યા બાદ કાઉન્ટરની અંદર બેસવા જતાં અચાનક પાછળથી ત્રણ લોકો દુકાનની અંદર ઘૂસી ગયા હતા. એમાંથી એક જણે દર્શનના ગળા પર છરી રાખી હતી, જ્યારે બીજાએ બંદૂક દેખાડીને તેને ધમકાવ્યો હતો અને ત્રીજાએ દુકાનનું ઝાળી અંદરથી બંદ કરી દીધી હતી. દર્શને હિંમત દેખાડીને લૂંટારાઓને સોનું લૂંટતા રોકવાની કોશિશ કરી હતી. ત્યારે લૂંટારાઓએ તેના ગળા પર છરીથી હુમલો કર્યો હતો. ચીસોનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ભેગા થયા એટલે બન્ને લૂંટારાઓ દાગીના લૂંટીને નાસી ગયા હતા. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક દર્શનને નજીકની હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરાવ્યો હતો. તેના ગળામાં ૧૦ ટાંકા આવ્યા છે. આ ઘટનામાં માંડ-માંડ તેનો જીવ બચ્યો હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.’

mumbai news mumbai ghatkopar Crime News mumbai crime news crime branch mumbai crime branch