રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ : આરોપીઓ પર MCOCA લાગુ કરીને ૧૭ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડી વધારી

12 February, 2026 06:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MCOCA કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો હેતુ મુંબઈમાં આતંક ફેલાવવાનો હતો

રોહિત શેટ્ટી

પોલીસે બુધવારે કોર્ટને જણાવ્યું હતું ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગના કેસમાં સામેલ આરોપીઓ શહેરમાં આતંક મચાવવા માગતા હતા તેમ જ આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ્ ક્રાઇમ ઍક્ટ (MCOCA) લાગુ કરવામાં આવ્યો હતો.સ્પેશ્યલ MCOCA કોર્ટે પાંચ આરોપીઓની પોલીસ-કસ્ટડી ૧૭ ફેબ્રુઆરી સુધી લંબાવતાં નોંધ્યું હતું કે આ ઘટના તો માત્ર હિમશિલાની ટોચ જેવડી છે.મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. કેસમાં સંકળાયેલા કેટલાક આરોપીઓ પહેલાંથી જ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. એથી ક્રાઇમ બ્રાન્ચે MCOCA લાગુ કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલાં હથિયારોમાંથી એક લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના પ્રવીણ લોણકર દ્વારા આપવામાં આવ્યું હતું અને ગૅન્ગનો હેતુ મુંબઈમાં આતંક મચાવવાનો હતો.
પ્રવીણ લોણકર દ્વારા હથિયાર સપ્લાય કરવાના સંદર્ભમાં બચાવ પક્ષના વકીલોએ કહ્યું હતું કે એ શક્ય જ નથી, કારણ કે પ્રવીણ દોઢ વર્ષથી જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. ત્યારે કોર્ટે નોંધ્યું કે કેસ નાનો લાગે છે પણ ખરેખર તો હિમશિલાની ટોચ સમાન છે.

mumbai news mumbai mumbai police rohit shetty Crime News mumbai crime news