✕

BMCનાં ૧૧ બિલ્ડિંગો પર લાગશે રૂફટૉપ સોલર પૅનલ

13 November, 2026 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ ફાયર-સ્ટેશન અને એક મ્યુનિસિપલ પ્રિન્ટિંગ પ્રેસ પર મુકાનારી પૅનલો ૭૦૦ કિલોવૉટ વીજળી ઉત્પન્ન કરશે

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા શહેરનાં ૧૦ ફાયર-સ્ટેશન અને ભાયખલાસ્થિત મ્યુનિસિપલ પ્રિન્ટિંગ પ્રેસ સહિત કુલ ૧૧ નાગરિક સુવિધા કેન્દ્રો પર રૂફટૉપ સોલર પાવર સિસ્ટમ લગાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અંદાજે ૪.૩ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટની કુલ વીજઉત્પાદન ક્ષમતા આશરે ૭૦૦ કિલોવૉટ રહેશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વીજળીના ખર્ચમાં ઘટાડો કરવાનો, પરંપરાગત ઊર્જા-સ્ત્રોતો પરની નિર્ભરતા ઓછી કરવાનો અને કાર્બન-ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે.

સોલર ઇન્સ્ટૉલેશન માટે પસંદ કરાયેલાં ૧૦ ફાયર-સ્ટેશનોમાં કોલાબા, દાદર, નરીમાન પૉઇન્ટ, બાંદરા, બોરીવલી, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC), ગોરેગામ, દિંડોશી, મુલુંડ અને માનખુર્દનો સમાવેશ થાય છે. આ તમામ ફાયર-સ્ટેશનોમાં બોરીવલી ફાયર-સ્ટેશન ખાતે સૌથી વધુ ૭૫ કિલોવૉટની સોલર ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે.

બીજી તરફ, ભાયખલા મ્યુનિસિપલ પ્રિન્ટિંગ પ્રેસ ખાતે બૅટરી એનર્જી સ્ટૉરેજ સિસ્ટમ (BESS) સાથે ૧૦૦ કિલોવૉટ અથવા બૅટરી સ્ટૉરેજ વિના ૭૦ કિલોવૉટનો સોલર પ્લાન્ટ લગાડવાનો પ્રસ્તાવ છે. અગાઉ BMCએ ભાંડુપ કૉમ્પ્લેક્સ અને કેટલીક મ્યુનિસિપલ સ્કૂલોમાં પણ આ પ્રકારના સોલર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. 

mumbai news mumbai bhandup brihanmumbai municipal corporation