ક્રાઇમ પર કન્ટ્રોલ કરશે પ્લૅટફૉર્મ પરના ‘વૉચ ટાવર’

30 June, 2022 09:36 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પ્રાયોગિક ધોરણે દાદર સ્ટેશન પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે : આવતા અઠવાડિયાથી કુર્લા અને થાણેમાં પણ એ શરૂ થશે

દાદર રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલો વૉચ ટાવર

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) રેલવે પ્રવાસીઓની સુરક્ષા માટે વિવિધ પ્રયત્નો કરતી હોય છે. સેન્ટ્રલ રેલવેમાં આરપીએફ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડૉગ-સ્ક્વૉડમાં વિશેષ ટ્રેઇનિંગ કરેલા ડૉગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે પ્રવાસીઓની સુરક્ષા અને ક્રાઇમ પર નિયંત્રણ રાખવા આરપીએફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દાદર જેવા ભીડભાડવાળા સ્ટેશન પર ક્રાઇમ પર કન્ટ્રોલ રાખવા, ભીડ ન થાય એના પર ધ્યાન રાખવા અને પ્રવાસીઓની સુરક્ષા માટે એક વૉચ ટાવર શરૂ કરવામાં આવ્યો છે. એટલે કે પ્લૅટફૉર્મ પર ઊંચું ટેબલ મૂકવામાં આવ્યું છે જેના પર બેસીને હવાલદાર પ્લૅટફૉર્મ પરની ગતિવિધિ પર નજર રાખશે. પોલીસનું માનવું છે કે આમ તો ક્રાઇમ કરનારાઓ સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ જતા હોય છે, પણ તેમના જવાનોની હાજરીથી આરોપીઓ ક્રાઇમ કરતા પહેલાં બે વાર જરૂર વિચારશે અને આ વૉચ ટાવર ક્રાઇમ રોકવામાં મદદરૂપ બનશે. હાલમાં દાદર જેવા ભીડભાડવાળા સ્ટેશને એ શરૂ કરાયો છે અને અહીં સફળતા મળી તો આગામી દિવસોમાં આગળ પણ એની શરૂઆત કરવામાં આવશે.  

હાલમાં દાદરના પ્લૅટફૉર્મ નંબર-૩ અને ૪ પર આરપીએફના જવાનો તહેનાત કરાયા છે. ખાસ કરીને ઑફિસ અવર્સ એટલે કે પીક અવર્સમાં આ જવાનો ચાંપતી નજર રાખી રહ્યા છે. આ જવાનો પ્લૅટફૉર્મની હાઇટ કરતાં ઊંચાઈ પર આવેલી એક ચૅર પર બેસીને સીટી વગાડીને પ્રવાસીઓ પર ધ્યાન રાખે છે. આરપીએફના જવાન લાઉડસ્પીકરનો પણ ઉપયોગ કરે છે, જેથી પ્લૅટફોર્મ પર ટ્રેન પકડવાની જલદી હોય કે ટ્રેન આવતી હોય અને ધ્યાન રહેતું ન હોય તો પ્લૅટફૉર્મથી દૂર રહેવું એવી જાણકારી આપીને પ્રવાસીઓને સતર્ક કરશે.

સુરક્ષા માટેના આ આઇડિયા વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દાદર જેવાં ભીડભાડવાળાં સ્ટેશનોએ પીક અવર્સમાં ભારે ભીડ જોવા મળે છે. આવી ભીડભાડને કારણે પ્રવાસીઓની સુરક્ષા સાથે ક્રાઇમ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનતું હોય છે. એથી પ્લૅટફૉર્મની હાઇટથી વધુ હાઇટ ધરાવતી ચૅર પર આરપીએફનો જવાન બેસીને સીટી વગાડીને અને અનાઉન્સમેન્ટ કરીને પ્રવાસીઓની સુરક્ષા માટે કામ કરે છે. દાદર સ્ટેશન પર શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો સેન્ટ્રલ રેલવેના આરપીએફ વિભાગ દ્વારા અન્ય ભીડભાડ ધરાવતાં સ્ટેશનો જેમ કે થાણે, કુર્લા, ડોમ્બિવલી વગેરે પર પણ વૉચ ટાવર શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. એમાં થાણે અને કુર્લામાં આવતા અઠવાડિયાથી શરૂ આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ પ્રકારના વૉચ ટાવરને લીધે પ્રવાસીઓ વધુ સુરક્ષિતતા અનુભવશે તેમ જ અસામાજિક તત્ત્વોમાં કોઈ પણ ગુનો કરવા પહેલાં એક ડર રહેશે.’

mumbai mumbai news western railway central railway dadar thane kurla preeti khuman-thakur