31 December, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામદાસ આઠવલે
રાજ્ય સરકારમાં મહાયુતિના સાથીપક્ષ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (રામદાસ આઠવલે)એ મહાયુતિએ તેમને BMCની ચૂંટણીમાં બેઠકો ન ફાળવી અને છેવટ સુધી લટકાવી રાખતાં આખરે ગઈ કાલે પાર્ટીના ૩૯ ઉમેદવારોને ટિકિટ આપી હતી. રામદાસ આઠવલેએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BJPના ક્વોટામાંથી તેમને બેઠકો ફાળવવામાં આવશે એમ કહ્યું હતું પણ છેલ્લે સુધી એના પર કાર્યવાહી કરાઈ નહોતી. ગઈ કાલે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાને કેટલાક જ કલાકો બાકી હતી ત્યારે તેમણે પાર્ટીના ૩૯ ઇચ્છુકોને ટિકિટ ફાળવી હતી. આમ કરીને તેમણે BJP અને શિવસેનાને ઝટકો આપ્યો હતો.
રામદાસ આઠવલેએ કહ્યું હતું કે BJP અને શિવસેના બન્નેએ અમને ૭ બેઠક આપવાનું કહ્યું હતું, પણ બન્ને પક્ષો તરફથી જાહેર કરાયેલી યાદીમાં અમારા એક પણ ઉમેદવારને ટિકિટ આપી નહોતી અટલે અમે સ્વબળે લડવાનો નિર્ણય લીધો છે. કૉર્પોરેશનની ચૂંટણીમાં ૧૦૦-૨૦૦ મત પણ ગેમ-ચેન્જર બની જતા હોય છે ત્યારે હવે મહાયુતિ શું ગેમ પ્લાન અપનાવે છે એના પર હવે મુંબઈગરાની નજર ટકી છે.