16 April, 2026 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોતાનું પર્સ તપાસી રહેલાં લક્ષ્મી ભાટિયા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના સભાખંડમાંથી ગઈ કાલે શિવસેના (UBT)નાં વૉર્ડ-નંબર ૫૬નાં નગરસેવિકા લક્ષ્મી ભાટિયાના પર્સમાંથી અજાણ્યા શખ્સે ૨૦,૦૦૦ રૂપિયા ચોરી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે BMCનાં વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે અને સુરક્ષાવ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ઘટના માટે રોષ વ્યક્ત કરીને લક્ષ્મી ભાટિયાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે સ્થાયી સમિતિની મહત્ત્વની બેઠક BMCના હેડક્વૉર્ટરમાં સ્થાયી સમિતિના સભાખંડમાં યોજાઈ હતી. એમાં ભાગ લેવા માટે હું BMCની ઑફિસ આવી હતી. બેઠક પૂરી થયા બાદ તમામ કૉર્પોરેટરો ભોજન માટે ગયા હતા. ત્યારે મેં મારું પર્સ સમિતિના સભાખંડમાં જ રાખ્યું હતું. જોકે હું ભોજન કરીને પાછી આવી ત્યારે મારા પર્સની ચેઇન ખુલ્લી જોવા મળી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે પર્સમાં રાખેલું ૨૦,૦૦૦ રૂપિયાનું બંડલ ગાયબ હતું, જ્યારે ચાર્જર અને અન્ય વસ્તુઓ અસ્તવ્યસ્ત રીતે બહાર કાઢેલી હતી. એટલે મેં તાત્કાલિક મારી સાથેના નગરસેવકોને આ ઘટનાની જાણ કરી હતી. સ્થાયી સમિતિ BMCની તિજોરી ગણાય છે. જો ત્યાં જ નગરસેવકો સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું? મારા પર્સમાંથી ૨૦,૦૦૦ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. આ મામલે BMCના સુરક્ષાવિભાગને અને પોલીસને માહિતી આપી છે. જોકે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં આ ઘટના બની ત્યાં CCTV કૅમેરા જ નથી, જેને કારણે ચોરની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.’