16 July, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉલ્હાસ નદી પર બાંધવામાં આવેલો બ્રિજ પૂરના પાણીમાં વહી ગયો હોવાના અહેવાલો ફરતા થયા એને પગલે બુધવારે નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સ્પષ્ટતા કરવી પડી હતી. NHSRCLએ સ્પષ્ટતા કરી હતી કે જે બ્રિજ વહી ગયો છે એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનનારા બ્રિજના બાંધકામનું મટીરિયલ લઈ જવા-લાવવા માટે બાંધવામાં આવેલો બ્રિજ હતો, જે હંગામી ધોરણે બનાવવામાં આવ્યો હતો, એ બ્રિજ બુલેટ ટ્રેન માટે બનનારા બ્રિજનો ભાગ નહોતો.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે થાણેમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે ઉલ્હાસ નદીમાં પૂર આવ્યું હતું અને એમાં આ બ્રિજ વહી ગયો હતો. ત્યાર બાદ મીડિયા સહિત અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલો બ્રિજ વહી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બ્રિજ કન્સ્ટ્રક્શનનો સામાન તેમ જ અન્ય મશીનોની અવરજવર માટે તાત્પૂરતા સમય માટે બાંધવામાં આવ્યો હોવાનું જણાવીને NHSRCLએ બુધવારે અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.