21 April, 2025 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના ટ્રૅફિકને હળવો કરવા નવી મુંબઈમાં બનાવવામાં આવી રહેલા નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવે, ટૅક્સીવે જેવાં સાઇડ કન્સ્ટ્રક્શન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટા ભાગનું કામ હવે પૂરું થઈ ગયું છે. હવે એ માટેના સૅન્ક્શનની વિવિધ પરવાનગીઓ લેવાનું ચાલુ કરાયું છે. સાથે જ વિવિધ ઍરલાઇન્સોને તેમને જોઈતા ટાઇમ-સ્લૉટ માટે અરજી કરવાનું નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (NMIAL) દ્વારા કહી દેવાયું છે, જ્યારે ઘણી ઍરલાઇન્સોએ તો એ માટેની અરજી કરી પણ દીધી છે. નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું જૂન ૨૦૨૫માં ઉદ્ઘાટન કરવાનો ટાર્ગેટ છે.
નવી મુંબઈ ઍરપોર્ટના આ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની પ્લાનિંગ ઑથૉરિટી સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા શુક્રવારે એની રીવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CIDCOના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલ અધ્યક્ષપદે હતા. આ મીટિંગમાં CIDCO, અદાણી ગ્રુપ, લાર્સન ઍન્ડ ટૂબ્રો અને NMIALના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડેડલાઇન નજીક છે ત્યારે હવે એનું કામ કેટલે પહોંચ્યું, કેટલું કામ બાકી છે એની માહિતી આપવામાં આવી હતી. NMIALએ કહ્યું હતું કે કન્સ્ટ્રક્શનનું કામ ૧૦૦ ટકા પતી ગયું છે અને હવે વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી લાઇસન્સ મેળવવાની પ્રોસેસ સ્મૂધલી ચાલી રહી છે.
હવે ટર્મિનલ, રોડ-કનેક્ટિવિટી અને અન્ય મહત્ત્વની બાબતો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. નૅશનલ હાઇવે ઑથોરિટીને પણ વહેલી તકે ઍરપોર્ટને કનેક્ટિંગ રોડ-ફૅસિલિટી આપવા જણાવાયું છે.