20 December, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કાર્યક્રમમાં રાજા ઋષભદેવ પરના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ફડણવીસે રાજા ઋષભદેવ કલા સંસ્કૃતિ-પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસે ગુરુભગવંતોને અને સંતોને નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
બોરીવલીના કોરા કેન્દ્રમાં ‘ઋષભાયન 02’ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજાઈ છે. ૩ દિવસની આ કૉન્ફરન્સની શરૂઆત ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં થઈ હતી. આ અવસરે મુખ્ય પ્રધાને ‘ભારતીય સંસ્કૃતિ કે પુરોધા રાજા ઋષભ’ પુસ્તકનું લોકાર્પણ પણ કર્યું હતું. આ મેગા ઇવેન્ટનું આયોજન રાજા ઋષભદેવના જીવન અને યોગદાનના મહત્ત્વને લોકો સામે ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું છે.
લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ (LVJST) દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં રાજા ઋષભદેવની ૭૨ કૌશલ અને ૧૪ લલિત કલાઓનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા ૨૦૦ જેટલા સ્ટૉલ્સ, વિદ્વાનોનાં વક્તવ્ય, પૅનલ ડિસ્કશન, ૧૧૧૧ દુર્લભ ગ્રંથો-હસ્તપ્રતોની લાઇબ્રેરીનું લોકાર્પણ, ઇન્ટરનૅશનલ સ્કૉલર્સ દ્વારા રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન, યુવાનો માટે ફિલ્મ-ફેસ્ટિવલ અને કૉમ્પિટિશન વગેરે જેવાં અનેક પ્રકારનાં આયોજન કરવામાં આવ્યાં છે.