07 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા યુદ્ધના તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના તમામ રાજ્યોને બુધવાર, 7 મેના રોજ વિવિધ ઈમર્જન્સીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે મૉક સેકયોરિટી ડ્રિલ (સુરક્ષા ડ્રિલ) હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિક સુરક્ષા ડ્રિલ 259 સ્થળોએ હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને મુંબઈ અને દિલ્હી સહિત દેશના 244 નિયુક્ત નાગરિક સંરક્ષણ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સંદેશાવ્યવહાર મુજબ, મૉક ડ્રીલ દરમિયાન લેવામાં આવનારા પગલાંમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરનનું સંચાલન, નાગરિકોને વિવિધ નાગરિક સંરક્ષણ બાબતોની તાલીમ આપવાનો સમાવેશ થાય છે જેથી તેઓ યુદ્ધના પ્રતિકૂળ હુમલા દરમિયાન પોતાનું રક્ષણ કરી શકે આ સાથે તેમાં બંકરો અને ખાઈઓની સફાઈનો સમાવેશ થાય છે. અન્ય પગલાંઓમાં ક્રેશ-બ્લૅકઆઉટ પગલાં, મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ્સ અને સ્થાપનોને વહેલા કૅમોફ્લાજ અને સ્થળાંતર યોજનાઓને અપડેટ અને રિહર્સલ કરવાની જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે, એમ તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓને લખેલા પત્રમાં જણાવાયું છે.
મૉક ડ્રીલ યોજાશે તેવા જિલ્લાઓની વિગતો જાણો આ પોસ્ટમાં આપવામાં આવી છે. મૉક ડ્રીલ રાજ્યના કયા જિલ્લાઓમાં યોજાશે તેની વિગતો પણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, તો મૉક ડ્રીલ મુંબઈ, પુણે, થાણે, રાયગઢ અને ઔરંગાબાદ સહિત 16 સ્થળોએ હાથ ધરવામાં આવશે. ભારતીય વાયુસેના (IAF) સાથે હોટલાઇન અને રેડિયો-સંચાર લિંક્સનું સંચાલન, કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યક્ષમતાનું પરીક્ષણ, પણ મૉક ડ્રીલનો ભાગ હશે.
"વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં, નવા અને જટિલ જોખમો/પડકારો ઉભરી આવ્યા છે, તેથી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ નાગરિક સંરક્ષણ તૈયારી હંમેશા જાળવી રાખવી તે સમજદારીભર્યું રહેશે," ડિરેક્ટોરેટ જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ્સના પત્રમાં જણાવાયું છે. પત્ર મુજબ, મૉક ડ્રીલમાં વિવિધ જિલ્લા અધિકારીઓ, નાગરિક-સંરક્ષણ વોર્ડન, સ્વયંસેવકો, હોમ ગાર્ડ્સ (સક્રિય અને અનામત સ્વયંસેવકો), રાષ્ટ્રીય કેડેટ કૉર્પ્સ (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), નહેરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS), કૉલેજ અને શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ રહી છે, જેમાં ટોચના સંરક્ષણ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા રાજદ્વારી પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને પાકિસ્તાન સાથે વેપાર પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.