29 September, 2026 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિન્દ્ર અને સોનાલી વાકોડે તેમના પુત્ર માટે ન્યાયની માગ સાથે મુંબઈના આઝાદ મેદાનમાં હડતાળ ચાલુ રાખી છે. (તસવીર: મિડ-ડે)
IIT બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના પિતા રવિન્દ્ર વાકોડેએ મંગળવારે મુંબઈના આઝાદ મેદાનમાં સતત બીજા દિવસે પણ તેમના દીકરાના મૃત્યુ અંગે ન્યાય અને જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ સાથે ભૂખ હડતાળ અને ધરણાં ચાલુ રાખ્યા હતા. રવિન્દ્રએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો ઉપવાસ ચાલુ રહેશે. વિરોધ સ્થળ પરથી વાત કરતા રવિન્દ્રએ કહ્યું, "જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે." તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી સાહિલને ન્યાય નહીં મળે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.
22 વર્ષીય સાહિલ વાકોડે IIT બૉમ્બેમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. 18 સપ્ટેમ્બરની સાંજે, તેનો મૃતદેહ તેની હૉસ્ટેલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં, મિડ-સેમીસ્ટર પરીક્ષા દરમિયાન તે મોબાઈલ ફોન પર AI નો ઉપયોગ કરતો પકડાયો હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અને જાતિ આધારિત ભેદભાવના આરોપોનો સમાવેશ થાય છે. સાહિલના પરિવારે IIT બૉમ્બેમાં તેની સાથે જાતિ આધારિત ભેદભાવ થયાનો આરોપ લગાવ્યો છે અને આ બાબતમાં નામ આપવામાં આવેલી વ્યક્તિઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
રવિવારે રવિન્દ્રએ કહ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ ધરપકડનો સામનો કરવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના પુત્રને બંધારણીય માધ્યમો દ્વારા ન્યાય મળવો જોઈએ. ત્યારબાદ, તેમણે સોમવારથી આઝાદ મેદાનમાં ધરણાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરિવારે અગાઉ ગુરુવારે આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ કરી હતી. ઓછી, રવિન્દ્ર અને તેમની પત્ની સોનાલી વાકોડેએ જાહેરાત કરી હતી કે તેઓ સોમવારથી તે જ સ્થળે તેમનો વિરોધ ચાલુ રાખશે.
IIT બૉમ્બેએ સાહિલના મૃત્યુના સંજોગોની તપાસ કરવા માટે 10 સભ્યોની સમિતિની રચના કરી છે. પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા - જેમનું નામ જાતિ આધારિત ભેદભાવ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપોસર પોલીસ FIRમાં નોંધાયેલું છે - તેમને નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવ્યા છે. IIT બૉમ્બેના વિદ્યાર્થીઓએ શુક્રવારે રાત્રે કેન્ડલલાઇટ માર્ચ યોજી હતી અને તપાસ સમિતિની પુનઃરચનાની માગ કરી હતી; તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સમિતિના કેટલાક સભ્યોએ ડુલ્લાના સમર્થનમાં વાત કરી હતી. વિદ્યાર્થીઓએ કૅમ્પસ પર `જસ્ટિસ કોર્નર` તરીકે ઓળખાતી નિર્ધારિત જગ્યાએ શાંતિપૂર્ણ ધરણાં પણ ચાલુ રાખ્યા છે, જ્યાં શનિવારથી આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠનોએ પણ વાકોડે પરિવારને સમર્થન આપ્યું છે અને સાહિલના મૃત્યુની પારદર્શક તપાસ તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.