11 September, 2026 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફી હૉસ્પિટલ
ચર્ની રોડમાં આવેલી સૈફી હૉસ્પિટલે એક ટ્રેઇની ડૉક્ટર વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે. ટ્રેઇની ડૉક્ટર આસિયા ખાન લુકમાને હૉસ્પિટલમાં ગેરકાયદે રીતે વધુ કલાકો કામ કરાવવામાં આવતું હોવાનો, ટૉર્ચર અને રૅગિંગ થતું હોવાનો તથા તેની માનસિક સતામણી કરવામાં આવતી હોવાનો આરોપ કરતી બે સોશ્યલ મીડિયા પોસ્ટ મૂકી હતી જેને પગલે હૉસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
હૉસ્પિટલના સત્તાવાળાઓએ ડૉક્ટર આસિયાના બધા જ આરોપો ફગાવ્યા હતા અને તે પોતે જ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનો વળતો આરોપ કર્યો હતો. પોતાની ગેરવર્તણૂક છુપાવવા માટે તથા હૉસ્પિટલ તેની માગણીઓ પૂરી કરે એ માટે હૉસ્પિટલને મજબૂર કરવા માટે આવો આરોપ મૂક્યો હોવાનું હૉસ્પિટલના સત્તાવાળાઓનું કહેવું છે. માનહાનિના દાવા બાદ ડૉક્ટર આસિયાના વકીલે કહ્યું હતું કે કામના સ્થળે ભોગવવી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરવી એને માનહાનિ ગણી ન શકાય.
બૉમ્બે હાઈ કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને એ દરમ્યાન ડૉક્ટર આસિયાને હૉસ્પિટલથી સંબંધિત કોઈ પણ સોશ્યલ મીડિયા પોસ્ટ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટની સિંગલ જજની બેન્ચે ડૉક્ટર આસિયાને હૉસ્પિટલ વિરુદ્ધ કોઈ પોસ્ટ ન મૂકવા જણાવ્યું હતું.