ફાધર્સ ડેના દિવસે જ બાપ-દીકરીના માર્ગ અલગ

22 June, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય દિના પાટીલે ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડ્યો, પણ તેમની પુત્રી રાજુલ પાટીલ શિવસેના (UBT) સાથે જ રહેશે

સંજય પાટીલ, રાજુલ પાટીલ

ઈશાન મુંબઈના શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય દિના પાટીલ પક્ષ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા ઉત્સુક છે ત્યારે તેમની જ દીકરી અને શિવસેના (UBT)ની નગરસેવિકા રાજુલ પાટીલે શિવસેના (UBT)માં જ આસ્થા રાખીને એની સાથે જ આગળ વધવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે રાજુલ પાટીલ ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચી ગઈ હતી અને તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો હતો. 

ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કર્યા બાદ રાજુલ પાટીલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓને લઈને મેં માતોશ્રી પર જઈને પક્ષપ્રમુખ ઉદ્ધવસાહેબ સામે મારી બાજુ માંડી હતી. મેં મારી વ્યક્તિગત અને રાજકીય ભૂમિકા ઉદ્ધવસાહેબ સામે સ્પષ્ટ કરી હતી. મારા નિર્ણયથી તેમને સંતોષ થયો હતો. પક્ષે મારા પર વિશ્વાસ રાખ્યો છે. આગામી કાર્યક્રમમાં તેમના સ્વાગતની જવાબદારી મારા પર સોંપવામાં આવી છે.’ 

પિતા સંજય પાટીલે કરેલી બળવાખોરી અને ઘરમાં પણ પડેલી રાજકીય દરાર પર બોલતાં રાજુલ પાટીલે કહ્યું હતું કે ‘મેં લોકશાહીનો માર્ગ અવલંબ્યો. અમારા ઘરમાં દરેકને પોતાનો રાજકીય નિર્ણય લેવાની પૂરી સ્વતંત્રતા છે. પિતાએ તેમનો નિર્ણય લીધો, પણ મારી નિષ્ઠા અને રાજકીય ભૂમિકા પૂરી અલગ છે અને હું ઉદ્ધવ ઠાકરે સાથે જ રહેવાની છું.’

સંજય દિના પાટીલના મતદાર સંઘમાં જઈને ઉદ્ધવ ઠાકરેએ મતદારોની માફી માગી: હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે કૉન્ગ્રેસે પણ ક્યારેય શિવસેના તોડવાનો પ્રયાસ નથી કર્યો, આ બધું BJPનું જ પાપ છે

શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સ્થાપનાદિને કહ્યું હતું કે ‘પક્ષના જે છ સંસદસભ્યો પક્ષ છોડી ગયા છે હું તેમના મતદાર સંઘમાં જઈશ અને મતદારોને મળી તેમની સાથે સંવાદ સાધીશ. ગઈ કાલે તેઓ ઈશાન મુંબઈના મતદાર વિસ્તારમાં ગયા હતા. જ્યાંથી તેમના પક્ષના સંજય દિના પાટીલ ચૂંટાઈ આવ્યા હતા અને હવે તે એ બળવાખોર સભ્યમાંના એક છે. ઉદ્ધવ ઠાકરેએ મતદારોને સંબોધતાં કહ્યું હતું કે ‘તમે મારો આદેશ સ્વીકારી જે ઉમેદવાર હતો તેની તરફ ન જોઈ ફક્ત શિવસેનાના ચિહ્‍‍ન મશાલ પર મત આપી એને ચૂંટી કાઢ્યો હતો. મેં તેને ઉમેદવારી આપી હતી. એથી એ ભૂલ મારી થઈ હતી અને એ માટે હું તમારી માફી માગું છું. આ અનુભવ છેલ્લાં ૬૦ વર્ષથી છે. આ પહેલા અનેક વાર શિવસેના તોડવાના પ્રયાસ થયા છે. શિવસેનાને નબળી પાડવાના પ્રયાસ થયા, પણ કૉન્ગ્રેસે ક્યારેય શિવસેના તોડવાનો પ્રયાસ નથી કર્યો. આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે.’

mumbai news mumbai shiv sena uddhav thackeray political news indian politics eknath shinde maharashtra political crisis