આપણે મજબૂત સ્ટૅન્ડ નહીં લઈએ તો આ લોકોની હિંમત વધી જશે

24 March, 2026 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં શૅર-અ-રિક્ષાની લાઇનમાં થયેલા મામૂલી ઝઘડામાં મુસ્લિમ યુવકોની દાદાગીરીનો ભોગ બનેલી ગુજરાતી યુવતી કિંજલ ગોહિલને મદદરૂપ થઈ રહ્યા છે સંજય નિરુપમ, કિંજલ પોતે પણ અડગ

કુરાર પોલીસ-સ્ટેશનની બહાર કિંજલ ગોહિલ અને શિવસેનાના નેતા સંજય નિરુપમ.

મલાડ સ્ટેશનથી કુરાર વિલેજ જવા માટે શુક્રવારે શૅર-અ-રિક્ષામાં બેસવાના મુદ્દે થયેલા મામૂલી ઝઘડા બાદ કુરારમાં ગુજરાતી કિંજલ ગોહિલ અને તેના કઝિન્સની રિક્ષા અટકાવીને તેમના પર મુસ્લિમ યુવકોએ કરેલા હુમલાના કેસમાં ફરિયાદ નોંધાતાં કુરાર પોલીસે તપાસ કરીને કુલ ૧૧ આરોપીઓમાંથી ૭ આરોપીઓને ઝડપી લીધા છે છતાં મુખ્ય આરોપી નાસતો ફરી રહ્યો છે. કુરાર પોલીસે કહ્યું છે કે અમે ટૂંક સમયમાં તેના સહિત બાકીના આરોપીઓને પણ ઝડપી લઈશું. 

ગઈ કાલે શિવસેનાના નેતા સંજય નિરુપમ કુરાર પોલીસ-સ્ટેશનના અધિકારીઓને મળ્યા હતા અને રજૂઆત કરી હતી. જોકે તેમણે એ વાતે સોશ્યલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ‘કુરાર પોલીસ એક વિધાનસભ્યને લઈને રવિવારે રાતે ૯-૧૦ વાગ્યે કિંજલના ઘરે ગઈ હતી અને તેને પોલીસ-સ્ટેશન આવીને આરોપીની ઓળખ કરવા કહ્યું હતું. શું એ વિધાનસભ્ય કિંજલના પરિવાર પર પ્રેશર-ટેક્ટિક્સ યુઝ કરવા માગતા હતા? શું તેમને આરોપીઓ ક્યાં છુપાયા છે એની જાણ હતી કે તેઓ આરોપીઓને છાવરતા માગતા હતા? પોલીસ-કાર્યવાહીમાં વિધાનસભ્યએ જવાની જરૂર શું હતી?’ 

આ કેસની ફરિયાદી કિંજલ ગોહિલે કહ્યું હતું કે ‘હાલમાં આ કેસમાં પોલીસ આરોપીઓને એક પછી એક ઝડપી રહી હોવાથી તેમની કામગીરીથી હું સંતુષ્ટ છું. પોલીસે મને આશ્વાસન આપતાં કહ્યું છે કે બાકીના આરોપીઓને પણ ઝડપી લઈશું.’ 

શુક્રવારની ઘટના વિશે કિંજલ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અહીં કુરારમાં જ જન્મેલી ઍન્ડ ઊછરેલી છું. આ લોકોનું જોર બહુ જ વધી ગયું છે. જો આપણે મજબૂત સ્ટૅન્ડ નહીં લઈએ તો તેમની હિંમત વધતી જશે. આજે આ ઘટના અમારી સાથે થઈ છે, આવતી કાલે બીજા કોઈ સાથે પણ એ થઈ શકે છે. કોઈકે તો સ્ટૅન્ડ લેવું જ પડશે, તેમનો સામનો કરવો જ પડશે. એથી અમે આ ફરિયાદ કરી છે. મને મારી ફૅમિલી અને બજરંગ દળનો સપોર્ટ છે. અમે પોલીસ-ફરિયાદ લખાવ્યા પછી કોઈ ધમકી મળી નથી.’  

કુરારની ઘટના વિશે સંજય નિરુપમે પોલીસ-કાર્યવાહી કરી રહી છે એમ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુરાર વિલેજ, પઠાણવાડી કે ઇસ્લામપુરામાં મુસ્લિમોની વસ્તી વધુ છે એ ખરું, પણ અહીં હિન્દુ-મુસ્લિમ વર્ષોથી સાથે રહે છે. બધા મુસ્લિમ ખરાબ છે એવું નથી, પણ તેમની સાથે ભળી ગયેલા ગેરકાયદે ઘૂસી આવેલા બંગલાદેશી જેહાદીઓ ઝઘડાનાં રોજેરોજ નવાં કારણ શોધતા હોય છે. ગયા વર્ષે ગુઢીપાડવાએ અહીંથી નીકળેલી શોભાયાત્રા દરમ્યાન એક હિન્દુ છોકરાએ જય શ્રી રામનો નારો લગાવતાં તેને માર માર્યો હતો. હિન્દુઓને ડરાવી-ધમકાવી, માર મારીને તેઓ દહેશત ઊભી કરવા માગે છે. પહેલાં એવું ચાલતું હતું પણ હવે એવું ચલાવી નહીં લેવાય. હવે હિન્દુ નહીં ડરે. કિંજલ અને તેના પરિવારે પણ જબરી હિંમત બતાવી છે. પોલીસ તેના કાયદાના દાયરામાં રહીને કામ કરી રહી છે, પણ જો એ ઊણી ઊતરશે તો અમે મેદાનમાં ઊતરીશું.’

mumbai news mumbai malad Crime News mumbai crime news mumbai police gujaratis of mumbai gujarati community news sanjay nirupam