19 October, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે હાલમાં જ શિવસેના (UBT)ને ટોણો મારતાં કહ્યું હતું કે અમે તો હિન્દુત્વવાદી છીએ જ, પણ તેમના (શિવસેના-UBTના) હિન્દુત્વનો રંગ તો કૉન્ગ્રેસના ટિળકભવન સુધી પહોંચતાંમાં જ ઊતરી ગયો હતો.
એનો જવાબ આપતાં સંજય રાઉતે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘BJPનો પોતાનો રંગ રહ્યો છે કે? BJPનો રંગ હવે ભ્રષ્ટાચારનો, કૉન્ગ્રેસનો રંગ રહી ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં ૯૦ ટકા તો કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના લોકો આવ્યા છે. છે કે નહીં એ આશિષ શેલારે જણાવવું. BJP પોતાનાં બાળકો જણે, ક્યાં સુધી એ બીજાનાં બાળકોને રમાડ્યા કરશે. પાળણું એટલું જ છે, છોકરાઓ વધી રહ્યા છે.’
સંજય રાઉતે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે અને MNS થાણેમાં સાથે ચૂંટણી લડીશું અને સત્તા પર આવીશું. એટલું જ નહીં, ૭૫ કરતાં વધુ બેઠકો જીતી લાવીશું. આ વખતે બે ઠાકરે બધાનાં ઠીકરાં કરી નાખશે.’
બોલવું અને કરી બતાવવું એ બન્નેમાં ફરક છે : પ્રતાપ સરનાઈક
સંજય રાઉતના આ સ્ટેટમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં થાણેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘રોજ સવારે સંજય રાઉત કંઈક બોલતા હોય છે, પણ માત્ર બોલવાથી કંઈ બેઠકો નથી આવતી. વિધાનસભા વખતે પણ તેમણે કહ્યું હતું કે અમારી ૨૦૦ કરતાં વધુ બેઠકો આવશે, પણ મહા વિકાસ આઘાડી ૫૦ પણ ન વટાવી શકી. એથી બોલવું અને ખરેખર કરી બતાવવું એમાં ફરક છે. કદાચ UBTને વધારે બેઠકો મળી પણ હોત, પણ સંજય રાઉતના રોજ સવારના ભોંગાને કારણે જ તેમને બેઠકો ઓછી મળી.’