17 November, 2025 08:12 AM IST | Mumbai | Shirish Vaktania
દેરાસરની સામે આવેલું અન્ડર કન્સ્ટ્રક્શન મકાન. એના અગિયારમા માળેથી પોતાના માથા પર પડેલું હથોડાનું પાનું બતાવી રહેલાં ડૉ. અક્ષા ઠોલિયા. તસવીરો: સતેજ શિંદે
સાંતાક્રુઝમાં રહેતાં ૪૩ વર્ષનાં ડેન્ટિસ્ટ ડૉ. અક્ષા ઠોલિયા ગયા રવિવારે ખારના દેરાસરની બહાર ઊભાં હતાં ત્યારે સામે બની રહેલા અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના અગિયારમા માળેથી હથોડામાંથી છૂટું પડી ગયેલું લોખંડનું પાનું નીચે પટકાયું હતું અને સીધું તેમના માથામાં વાગ્યું હતું. આ પાનું તેમના માથાની એક બાજુ વાગીને જમીન પર પડ્યું હતું. પાનાને લીધે તેમને માથામાં વાગ્યું છે, પણ નસીબજોગે ગંભીર ઈજા થઈ નથી.
ઘરની પાસે જ પોતાનું ક્લિનિક ધરાવતાં ડૉ. અક્ષા ઠોલિયાએ આ ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના ૯ નવેમ્બરે એટલે કે ગયા રવિવારે બની હતી. હું મારી ફ્રેન્ડ સાથે ખારના પંદરમા રોડ પર આવેલા શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર (દેરાસર)માં ગઈ હતી. જૈન મુનિ અમોઘકીર્તિ અને અમરકીર્તિને અમારે વહોરાવવા લઈ જવાના હતા. અમે દેરાસરમાં પૂજા પૂરી કરીને બહાર આવીને ઊભા હતા અને મુનિજી પણ અમારી સાથે હતા. ત્યારે ઉપરથી કશુંક જોરથી મારા માથા પર પડ્યું હતું અને હું નીચે ફસડાઈ પડી હતી. મને સખત દુખાવો થઈ રહ્યો હતો અને લોહી પણ વહી રહ્યું હતું. મને તરત જ હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં મારું CT સ્કૅન કરવામાં આવ્યું. સદ્ભાગ્યે કોઈ ઇન્ટર્નલ સિરિયસ ઇન્જરી થઈ નહોતી. મને પછીથી જાણ થઈ કે હથોડાનું પાનું મને વાગ્યું હતું. આ ઘાને લીધે મને માથામાં ઘણા ટાંકા આવ્યા છે. એ વખતે તો સહન ન થઈ શકે એટલો દુખાવો થઈ રહ્યો હતો અને હું બોલી પણ શકતી નહોતી. એ ફટકાને કારણે મારાં જડબાંમાં પણ સખત દુખાવો થઈ રહ્યો હતો. અમે પોલીસનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે આ બાબતે હજી સુધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) લીધો નથી. સાઇટ પર સુરક્ષાની પૂરતી કાળજી ન લેવા બદ્દલ બિલ્ડર સામે કડક પગલાં લેવાવાં જોઈએ. આ ઘટના પછી હું હથોડાથી ડરી રહી છું.’
આ બાબતે અક્ષા ઠોલિયાના પપ્પા આલોક ઠોલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ હથોડાનું પાનું મારી દીકરીના કાનથી સહેજ ઉપર ઘસરકો કરીને નીચે પડ્યું હતું. સદ્ભાગ્યે તે બચી ગઈ. જો એ પાનું માથા પર સીધું પટકાયું હોત તો હૅમરેજ થઈ ગયું હોત કે ખોપરીમાં ફ્રૅક્ચર પણ થઈ શક્યું હોત. આ દેખીતી રીતે જ બેદરકારી છે. હું ખાર પોલીસ-સ્ટેશનમાં ઘણી વાર FIR લખાવવા જઈ આવ્યો છું, પણ કોઈ ઍક્શન લેવામાં આવી નથી. પોલીસે એ કન્સ્ટ્રક્શન કરી રહેલા ડેવલપર અને એ ઘટના માટે જે કોઈ જવાબદાર હોય તેમની સામે પગલાં લેવાં જોઈએ. મેં આ બાબતે ખાર પોલીસ-સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ આપી છે.’
ઉપરથી નીચે પટકાયેલું હથોડાનું એ પાનું અમે પુરાવા તરીકે સાચવી રાખ્યું છે એમ જણાવતાં આલોક ઠોલિયાએ કહ્યું હતું કે હથોડાનું પાનું નીચે પટકાયું એ આખી ઘટના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.
‘મિડ-ડે’એ આ બાબતે ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમાળનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે ‘મિડ-ડે’ના ફોનકૉલનો કે મેસેજનો જવાબ આપ્યો નહોતો.