02 November, 2025 02:08 PM IST | Satara | Gujarati Mid-day Correspondent
ડૉ. સંપદા મુંડે
સાતારાની એક હોટેલમાં મૃત હાલતમાં મળી આવેલી બીડની મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. SITનાં અધ્યક્ષ એક મહિલા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી હશે.
ડૉ. સંપદા મુંડેએ સુસાઇડ-નોટમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર બળાત્કાર અને એક સૉફ્ટવેર એન્જિનિયર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે, જેના આધારે બન્નેની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને તાત્કાલિક મહિલા IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
બીડ જિલ્લાની રહેવાસી ડૉ. સંપદાનો મૃતદેહ ૨૩ ઑક્ટોબરે ફલટણમાં એક હોટેલની રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જોકે રાજકીય દબાણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવીને તેના પરિવારે ગુનેગારોને કડક સજા મળે એ માટે SIT તપાસની અપીલ કરી હતી. SITની રચના ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્રના રેસિડન્ટ ડૉક્ટર્સે પણ આંદોલન કરવાની ચીમકી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય વિભાગના નામે ત્રણ વર્લ્ડ રેકૉર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ‘રાષ્ટ્રીય સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ ૩ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ નોંધાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે ‘એક મહિનામાં સ્વાસ્થ્ય દેખભાળ પ્લૅટફૉર્મ પર ૩.૨૧ કરોડથી વધુ લોકોનાં રજિસ્ટ્રેશન, એક અઠવાડિયામાં સ્તન-કૅન્સર સ્ક્રીનિંગ માટે ૯.૯૪ કરોડથી વધુ લોકોનું ઑનલાઇન રજિસ્ટ્રેશન અને અન્ય મહત્ત્વના સ્ક્રીનિંગ માટે ૧.૨૫ કરોડથી વધુ લોકોના રજિસ્ટ્રેશનની સિદ્ધિ માટે આ રેકૉર્ડ્સ નોંધાયા હતા. સમગ્ર ઝુંબેશ દરમ્યાન ૧.૭૮ કરોડથી વધુ બ્લડ-પ્રેશર માટેનું અને ૧.૭૩ કરોડ ડાયાબિટીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.’