ઍન્ટિલિયા કેસમાં એનઆઇએ દ્વારા મુંબઈની હોટેલો અને ક્લબમાં સર્ચ

02 April, 2021 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનઆઇએની ટીમ હોટેલ અને ક્લબ જ્યાં આવેલી છે એ સોની બિલ્ડિંગમાં બપોરે ૧૨.૪૫ વાગ્યે પહોંચી હતી

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કારનો કેસ તથા બિઝનેસમૅન મનસુખ હિરણની હત્યા સંબંધે ગુરુવારે દક્ષિણ મુંબઈની એક હોટેલ અને ક્લબમાં તપાસ હાથ ધરી હતી. એનઆઇએની ટીમ હોટેલ અને ક્લબ જ્યાં આવેલી છે એ સોની બિલ્ડિંગમાં બપોરે ૧૨.૪૫ વાગ્યે પહોંચી હતી. બાબુલનાથ મંદિર નજીક આવેલી હોટેલના સ્ટાફ અને ગ્રાહકોને પરિસર ખાલી કરી દેવાનું જણાવાયું હતું.

સર્ચ દરમ્યાન એનઆઇએની ટીમે ક્લબ અને હોટેલના કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. તપાસ-ટીમ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી ત્યાં રોકાઈ હતી. આ વિસ્તાર જે અધિકારક્ષેત્ર હેઠળ આવે છે એ ગામદેવી પોલીસ-સ્ટેશનના કેટલાક અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણના મામલે ગયા મહિને એનઆઇએ દ્વારા ધરપકડ તથા સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝેને તપાસકર્તા સંસ્થા આ કેસમાં એની તપાસના ભાગરૂપે તાજેતરમાં બાબુલનાથ વિસ્તારમાં લઈ ગઈ હતી.

mumbai mumbai news mukesh ambani antilia