ચેઇનચોરના હાવભાવ અને ભાગવાની રીત પરથી પોલીસે મધ્ય પ્રદેશથી પકડ્યો

02 April, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદરમાં ઉદયપુરનાં પ્રવાસી મહિલાનું મંગળસૂત્ર લૂંટનાર સિરિયલ ચેઇન-સ્નૅચર પકડાયો, ૧૪થી વધુ ગુના ખૂલ્યા

MBVV ક્રાઇમ યુનિટ ૪ની ટીમ સાથે ધરપકડ કરાયેલો આરોપી.

રાજસ્થાનના ઉદયપુરમાં રહેતાં બાવન વર્ષનાં ઇન્દિરા જૈન ૧૦ માર્ચે મુંબઈ ફરવા આવ્યાં હતાં. તેઓ મીરા-ભાઈંદર વિસ્તારમાં ફાઉન્ટન હોટેલ નજીક રિક્ષા પકડવા પગપાળા જઈ રહ્યાં હતાં ત્યારે બાઇક પર આવેલો ૨૩ વર્ષનો મોહસિન અન્સારી તેમના ગળામાંથી આશરે ૩ તોલાનું મંગળસૂત્ર ઝૂંટવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન મહિલા જમીન પર પટકાતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૪એ આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજનું વિશ્લેષણ કરીને ટેક્નિકલ માહિતીના આધારે આરોપીની ઓળખ કરીને તેની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે મુંબઈ અને થાણે સહિત વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ચેઇન-સ્નૅચિંગના ૧૪થી વધુ ગુના નોંધાયેલા છે.

MBVV ક્રાઇમ યુનિટ ૪ના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ કાશીગાવ પોલીસ-સ્ટશનમાં મહિલાએ ૧૨ માર્ચે નોંધાવી હતી. આ ઘટનામાં આરોપીએ સવારના સમયે પાછળથી ૩ તોલાનું મંગળસૂત્ર ખેંચી મહિલાને જમીન પર પટકીને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. તપાસ દરમ્યાન ઘટનાસ્થળની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજમાં આરોપીના હાવભાવ અને ભાગવાની રીતના આધારે તેની ઓળખ કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. તપાસમાં આરોપી ગોવંડી વિસ્તારનો રહેવાસી હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી ગુનાને અંજામ દઈ બીજા રાજ્યમાં જઈને છુપાઈ જતો હોવાની માહિતી પણ સામે આવી હતી. એના આધારે ટેક્નિકલ તપાસ હાથ ધરતાં આરોપી મધ્ય પ્રદેશમાં છુપાયો હોવાની માહિતી મળતાં મધ્ય પ્રદેશમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે માત્ર મુંબઈ અને થાણે સહિતના આસપાસના વિસ્તારમાં ૧૪ કેસ તાજેતરમાં સામે આવ્યા છે. આરોપી સામે બીજા રાજ્યમાં પણ આ પ્રકારના ગુના નોંધાયા હોવાની અમને શંકા છે.’

mumbai news mumbai Crime News mumbai crime news mira bhayandar municipal corporation mira road bhayander