06 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચોરેલાં સોના-ચાંદીનાં ઘરેણાં
મુલુંડના મૅરથૉન એમિનન્સ બિલ્ડિંગમાં ૧૭ માર્ચે થયેલી ચોરીમાં આરોપીએ ઘરનું તાળું તોડીને ૭ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં તફડાવ્યાં હતાં. આ કેસની ઝીણવટભરી અને ઝડપી તપાસ કરીને મુલુંડ પોલીસે રીઢા ચોર રાજેશ રાજભરને ૩૦ માર્ચે ઝડપી લીધો હતો. જોકે તેની વધુ પૂછપરછ કરતાં તેણે ૧૨ દિવસમાં પાંચ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મુલુંડ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં ત્યારે એમાં રીઢો ચોર રાજેશ રાજભર દેખાયો હતો. તેના વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું એમાં તેમને જાણવા મળ્યું હતું કે રાજેશ રાજભર ૧૩ માર્ચે વારાણસીથી ફ્લાઇટ પકડીને મુંબઈ આવ્યો હતો અને કળવામાં નામ બદલીને તે ભાડાની રૂમમાં રહેતો હતો. પોલીસે ઍડ્રેસ મેળવીને આખરે ૩૦ માર્ચે તેને ઝડપી લીધો હતો અને તેણે ચોરેલાં સોના-ચાંદીનાં ઘરેણાં પાછાં મેળવ્યાં હતાં. આરોપીએ ૧૫ માર્ચે નેહરુનગર, ૧૭ માર્ચે મુલુંડ, ૨૦ માર્ચે ભાંડુપ, ૨૬-૨૭ માર્ચે ઉલવે પોલીસ-સ્ટેશનની હદમાં ચોરી કરી હતી અને તેની સામે ચોરીના કેસ નોંધાયા હતા.