27 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબાદાસ દાનવે
ક્રિકેટની મૅચમાં સટ્ટો લેવામાં આવે છે એમાં સટોડિયા અને બુકીઓ સામે કાર્યવાહી કરવાને બદલે મુંબઈ પોલીસ જ તેમને સહયોગ કરી રહી હોવાનો દાવો ઉદ્ધવસેનાના નેતા અને વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ગઈ કાલે કર્યો હતો. એટલું જ નહીં, મુંબઈના પોલીસ અધિકારીઓની હાજરીમાં પાકિસ્તાનના ક્રિકેટરો સાથે બુકીઓ મૅચ ફિક્સ કરતા હોવાની શંકા પણ અંબાદાસ દાનવેએ વ્યક્ત કરી હતી.
અંબાદાસ દાનવેએ વિધાન પરિષદમાં કહ્યું હતું કે ‘સભાપતિ મહોદય, મારી પાસે ચીટિંગના અનેક મામલા છે. નીચલા ગૃહમાં બેટિંગ ઍપ પર ચર્ચા થઈ. હું એક પેન ડ્રાઇવ આપને સોંપું છું. લોટસ ૨૪ નામની ક્રિકેટ બેટિંગ ઍપ છે જેમાં જૈન અટક ધરાવતા ત્રણ બુકી સતત સટ્ટો લે છે. તેમનો પાકિસ્તાનના ક્રિકેટરો સાથે સંપર્ક છે. મુંબઈના પોલીસ અધિકારીઓ સાથે આ બુકીઓ બેઠક કરીને મૅચ ફિક્સ કરીને ખુલ્લેઆમ સટ્ટો લે છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં મોટા પ્રમાણમાં સટ્ટો રમવામાં આવ્યો હતો અને હવે IPL શરૂ થઈ છે એમાં પણ બુકીઓ કોઈ પણ જાતના ડર વિના સટ્ટો લઈ રહ્યા છે. પેન ડ્રાઇવમાં બુકીઓ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે વાત કરતા હોવાનું અને મુંબઈ પોલીસના અધિકારીઓનું નામ લે છે એની માહિતી છે. આમ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.’