06 August, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિંચપોકલીમાં બહેનના ઘરે ઇલાજ લેતી મીનલ પટેલ.
બેફામ કાર ચલાવીને સ્કૂટર પર જતા યુવાન કપલને ટક્કર મારીને ધ્રુમિલ પટેલનો જીવ લેનારા સગીર ગુજરાતી નબીરાના જામીન આખરે રદ કરીને સેશન્સ કોર્ટે તેને સુધારગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો. સગીર જોકે કૉલેજની એક્ઝામ આપવા મળે એ માટે હાઈ કોર્ટમાં ગયો એને પગલે તેને ૧૭ ઑગસ્ટ સુધીના વચગાળાના જામીન મળ્યા છે. સેશન્સ કોર્ટનો નિર્ણય જોકે પટેલ પરિવારે આપેલી કાનૂની લડતની ફળશ્રુતિ છે અને ધ્રુમિલની પત્ની મીનલને આંશિક ન્યાય મળ્યાની સંતોષકારક લાગણી થઈ છે, પણ એ અકસ્માતે પટેલ પરિવારને આર્થિક અને માનસિક રીતે સાવ ભાંગી નાખ્યો છે
હું છેલ્લા ૬ મહિનાથી પથારીવશ છું, દર મહિને સારવાર પાછળ બે લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ થાય છે, ૯ સર્જરી થઈ ગઈ છે પણ વજન ઘટીને ૪૦ કિલો થઈ ગયું છે એટલે ૩ સર્જરી અટકી પડી છે
ઘાટકોપરના ૩૩ વર્ષના ધ્રુમિલ પટેલનો પાંચમી ફેબ્રુઆરીએ રાતે જે પૂરપાટ કારે અડફેટે લઈને જીવ લીધો એના ૧૭ વર્ષ ૯ મહિનાના સગીર ડ્રાઇવરના જામીન રદ કરીને તેને સુધારગૃહમાં મોકલવાનો આદેશ સેશન્સ કોર્ટે આપ્યો હતો. અદાલતે સખત શબ્દોમાં નોંધ્યું હતું કે અતિશય શ્રીમંત પરિવારનો આ અલ્લડ સગીર બગડેલા નબીરાઓની સંગતમાં રહીને સોશ્યલ મીડિયા માટે વાહનોના ખતરનાક સ્ટન્ટ કરે છે એટલે તેને સુધારગૃહમાં રાખવો તેના પુનર્વસન અને સમાજના હિત માટે જરૂરી છે. જોકે આ કેસમાં હાઈ કોર્ટે આ સગીરને કૉલેજની એક્ઝામ આપવા માટે ૧૭ ઑગસ્ટ સુધીના વચગાળાના જામીન આપ્યા છે એટલે ત્યાં સુધી તે મુક્ત રહી શકશે.
કાર પર સ્ટન્ટ કરતો સગીર, જીવલેણ અકસ્માત કરનારી કાર અને પટેલ દંપતીનું સ્કૂટર.
સગીર નબીરાએ કરેલા અકસ્માતે હસતા-રમતા પટેલ પરિવારને આર્થિક અને માનસિક રીતે સાવ ભાંગીને ભુક્કો કરી દીધો છે. ધ્રુમિલની પત્ની મીનલ છેલ્લા ૬ મહિનાથી પથારીવશ છે. દર મહિને બે લાખ રૂપિયાથી વધુ સારવાર-ખર્ચ વચ્ચે તેનું વજન ઘટીને માત્ર ૪૦ કિલો રહી જતાં આગળની ૩ સર્જરી અટકી પડી છે તો બીજી બાજુ ઘાટકોપરમાં એકલાં પડી ગયેલાં ધ્રુમિલનાં મમ્મી પ્રતીક્ષાબહેન સામે પોતાનું ભરણપોષણ કરવા માટે પણ વલખાં મારવાની અને આજીજી કરવાની નોબત આવી જતાં એક જ ક્ષણમાં આખેઆખો પરિવાર વિખેરાઈ ગયો છે.
એક નાનો રાઉન્ડ...
ચિંચપોકલી ખાતે પોતાની મોટી બહેનના ઘરે પથારીવશ રહેલી મીનલ પટેલે હૃદયદ્રાવક શબ્દોમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમી ફેબ્રુઆરીની એ રાતે સ્કૂટર પર મેં અને ધ્રુમિલે મારેલો એક નાનકડો રાઉન્ડ મારી આખી જિંદગીનું પાસું પલટી નાખશે એવી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ માત્ર અકસ્માત નથી. મારી આખી લાઇફ સ્પૉઇલ થઈ ગઈ છે.’
અકસ્માતની ભયાનકતા વર્ણવતાં મીનલે કહ્યું હતું કે ‘છેલ્લા ૬ મહિનામાં મારા શરીરમાં ૯ સર્જરી થઈ ચૂકી છે અને હજી ૩ સર્જરી બાકી છે. હું છેલ્લા ૬ મહિનાથી પથારીમાંથી ઊભી પણ થઈ શકી નથી. ડૉક્ટરોનું કહેવું છે કે હજી ઓછામાં ઓછાં બે વર્ષ સુધી પરિસ્થિતિ આવી જ રહેશે અને હું ભવિષ્યમાં ક્યારે પોતાના પગ પર ઊભી થઈ શકીશ એ વિશે ડૉક્ટરો પણ ચોક્કસ કંઈ કહી શકતા નથી.’
મહિને બે લાખથી વધુનો ખર્ચ
અમારા ઘરમાં હું અને ધ્રુમિલ જ કમાનારાં સભ્યો હતાં એમ જણાવતાં મીનલે કહ્યું હતું કે ‘પાંચમી ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી ધ્રુમિલ હૉસ્પિટલમાં જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો ત્યારે જ ૧૪ લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. એનાથી અમારી તમામ બચત ખાલી થઈ ગઈ હતી. હાલમાં મારી સારવાર પાછળ દર મહિને બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે જે મારી મોટી બે બહેનો ઉઠાવી રહી છે. ધ્રુમિલ સાથેના ઊંડા લગાવને અને આ ગોઝારા અકસ્માતની ભયાનક ક્ષણોને ભૂલી શકવી મારા માટે અશક્ય બની ગઈ છે. આ માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે ડૉક્ટરોએ ઘરે આવીને મને ખાસ કાઉન્સેલિંગ સેશન આપવાં પડે છે.’
સ્પેશ્યલ કોર્ટ દ્વારા સગીર આરોપીના જામીન રદ કરીને તેને સુધારગૃહમાં મોકલવાના તાજેતરના નિર્ણયને આવકારતાં મીનલે કહ્યું હતું કે ‘સરકાર અને ન્યાયવ્યવસ્થા સમક્ષ મારી એટલી જ વિનંતી અને માગણી છે કે આ કેસમાં અમને યોગ્ય અને પૂરેપૂરો ન્યાય અપાવવામાં આવે.’
ઘર ચલાવનાર દીકરો ગયો, હવે મરવાના વાંકે જીવી રહી છું : ધ્રુમિલનાં મમ્મી
ધ્રુમિલનાં ૫૮ વર્ષનાં મમ્મી પ્રતીક્ષાબહેને અત્યંત ગળગળા થઈને પોતાનું હૃદયદ્રાવક દર્દ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકનો એક જુવાનજોધ દીકરો અને ઘર ચલાવનારો મુખ્ય આધાર જ છીનવાઈ ગયા પછી હવે તો બસ મરવાના વાંકે જીવી રહી છું. ધ્રુમિલ સમજણો થયો ત્યારથી ઘરનો તમામ ખર્ચ ઉપાડતો હતો અને મને હંમેશાં કહેતો કે મમ્મી, તું કોઈ વાતની ચિંતા ન કર, હું છુંને. આજે મારો એ આશરો જ જતો રહેતાં મારા માટે એક-એક દિવસ કાઢવો અસહ્ય થઈ પડ્યો છે. મને હૃદયરોગ ઉપરાંત અન્ય નાની-મોટી બીમારીઓ છે જેની પાછળ દર મહિને હજારો રૂપિયાનો દવાનો ખર્ચ થાય છે. હવે આ ઉંમરે મોટા ખર્ચા માટે મારે સંબંધીઓ સામે હાથ લાંબો કરવાનો વારો આવ્યો છે. છતાં અમને દેશની ન્યાયવ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે અને અમારો એકનો એક દીકરો ગુમાવ્યા પછી હવે અમને યોગ્ય ન્યાય મળે એટલી જ મારી આખરી અપેક્ષા છે.’
સગીરની પરીક્ષા હોવાથી હાઈ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા
તિલકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઢેમરેએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેશન્સ કોર્ટે સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) સમક્ષ હાજર કરવા માટેનો આદેશ શુક્રવારે આપ્યો હતો, પરંતુ એ આદેશ અમને સોમવારે મળ્યો હતો. આદેશ મળતાં જ અમારી ટીમે સગીરની શોધખોળ શરૂ કરી હતી અને તેના ઘરે પણ તપાસ કરી હતી, પરંતુ તે ત્યાં મળી ન આવતાં ઘરની બહાર નોટિસ લગાડવામાં આવી હતી. અમારી ટીમે સોમવારથી ગઈ કાલ સવાર સુધી તેની સતત શોધ કરી હતી. દરમ્યાન ગઈ કાલે બપોરે માહિતી મળી હતી કે સગીરની કૉલેજની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા સાતથી ૧૭ ઑગસ્ટ સુધી હોવાથી તેણે હાઈ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે માન્ય રાખીને તેને ૧૭ ઑગસ્ટ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે.’
ફરિયાદ પક્ષના વકીલે શું કહ્યું?
ધ્રુમ્રિલ માટે કોર્ટમાં લડત ચલાવતા ઍડ્વોકેટ રુબેન મૅસ્કરેન્હૅસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યાયાધીશે આ ચુકાદો આપતાં નોંધ્યું હતું કે આ વર્ષે પુણે અને મુંબઈ જેવાં શહેરોમાં ધનવાન નબીરાઓ દ્વારા નિર્દોષ લોકોના જીવ લેવાના અનેક બનાવો બન્યા છે. આવા ગંભીર ગુનાઓ પછી સગીર આરોપીઓને તરત જામીન આપી દેવાથી ન્યાયનો મૂળ હેતુ માર્યો જાય છે અને સમાજનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ડગમગી જાય છે. કોર્ટે ૧૭ વર્ષ ૯ મહિનાના સગીરના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરના એ ફોટો અને વિડિયોને ધ્યાનમાં લીધા હતા જેમાં સગીર તેના મિત્રો સાથે બાઇક પર ટ્રિપલ સીટ અને કારના બૉનેટ તથા છત પર બેસીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો જોવા મળ્યો હતો. તપાસ-અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માત બાદ સગીરે પુરાવા છુપાવવા માટે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું. બચાવપક્ષે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટના પુનર્વસન કાયદાની દલીલ આપીને સગીરનો અભ્યાસ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાની બાબત રજૂ કરી હતી. જોકે કોર્ટે એ તમામ પાસાંઓ વિચારીને ડોંગરીસ્થિત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને આદેશ આપ્યો હતો કે તેઓ સગીરને કસ્ટડીમાં લઈને સુધારગૃહમાં મોકલવાની કાર્યવાહી કરે, કારણ કે કાયદો માત્ર આરોપી માટે નહીં પરંતુ પીડિત માટે પણ ન્યાય સુનિશ્ચિત કરવા માટે છે.’
શું હતી ઘટના?
પાંચ ફેબ્રુઆરીની રાત્રે ૧૧.૧૫ વાગ્યે ધ્રુમિલ અને તેની પત્ની મીનલ સ્કૂટર પર રાઉન્ડ મારવા નીકળ્યાં હતાં અને ઘાટકોપર પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હતાં. એ વખતે વિદ્યાવિહાર સ્થિત સોમૈયા કોલેજ અને તાનસા પાઇપલાઇન રોડ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક કારે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ધ્રુમિલને ગંભીર ઈજાઓ પહોંચતાં હૉસ્પિટલમાં ૧૦ દિવસની સારવાર બાદ ૧૫ ફેબ્રુઆરીએ તેનું અવસાન થયું હતું, જ્યારે તેની પત્ની મીનલ પણ ગંભીર રીતે ઘવાઈ હતી. ઘટના બાદ ધ્રુમિલના કાકા મહેશ પટેલની ફરિયાદના આધારે ૬ ફેબ્રુઆરીએ તિલકનગર પોલીસ-સ્ટેશન ખાતે કેસ નોંધવામાં આવ્યો હતો અને બાદમાં ધ્રુમિલના મૃત્યુ પછી કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો ઉમેરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું કે કાર ૧૭ વર્ષનો એક સગીર ચલાવી રહ્યો હતો, જેથી પોલીસે તેની અટકાયત કરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) સમક્ષ ૧૭ ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો, જ્યાંથી ૬ માર્ચે તેને ૨૫૦૦૦ રૂપિયાના બૉન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સગીર પુત્રને લાઇસન્સ વગર ગાડી ચલાવવા દેવા અને બેદરકારી દાખવવા બદલ પોલીસે ૧૦ ફેબ્રુઆરીએ તેના પિતા વાલજી ભૂષણની ધરપકડ કરી હતી, જેમને ૪ માર્ચે સેશન્સ કોર્ટે ઘાટકોપર વિસ્તારમાં પ્રવેશ ન કરવાની તેમ જ દર અઠવાડિયે પોલીસ-સ્ટેશને હાજરી આપવાની શરતે જામીન આપ્યા હતા.