20 July, 2024 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના ભાઈંદર યુનિટને માહિતી મળી હતી કે ભાઈંદરમાં સેક્સ-રૅકેટ ચાલી રહ્યું છે. મોબાઇલ પર ગ્રાહકોનો સંપર્ક કરી ડીલ પાકી કરી પૈસા લઈને યુવતીઓ પૂરી પાડવામાં આવે છે એવી પાકી બાતમી મળતાં પોલીસે છટકું ગોઠવીને એક મહિલા દલાલને ઝડપી લીધી હતી અને બે યુવતીઓેને બચાવી લેવાઈ હતી.
ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના ભાઈંદર યુનિટે આ માટે પહેલાં જોઈતી માહિતી મેળવીને ખાતરી કરી હતી અને ત્યાર બાદ છટકું ગોઠવ્યું હતું. મીરા રોડ-ઈસ્ટના શાંતિનગર સેક્ટર-૭ પર રાધાકૃષ્ણ વેજ રેસ્ટોરાંની ઉપર આ સેક્સ-રૅકેટ ચલાવવામાં આવતું હતું. છટકું ગોઠવીને ત્યાં ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. એ પછી મહિલા દલાલ સુરેખા પરબને ઝડપી લેવાઈ હતી અને ત્યાંથી બે યુવતીઓને બચાવી લેવાઈ હતી. પોલીસે સુરેખા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
નવી મુંબઈમાં પણ રેઇડ
નવી મુંબઈમાં પણ ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલે કાર્યવાહી કરી હતી. માહિતીના આધારે એક લૉજ પર રેઇડ પાડવામાં આવી હતી. ત્યાં રિક્ષામાં યુવતીને લઈને આવેલા પ્રદીપ યાદવને ઝડપી લઈને તે યુવતીને બચાવી લેવાઈ હતી. પ્રદીપ યાદવ સામે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને તેના બીજા સાગરીતોની શોધ ચલાવાઈ રહી છે.