17 September, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં રહેતી ૨૯ વર્ષની ગુજરાતી યુવતીને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) લઈ જઈને કારમાં વિકૃત કૃત્ય કરવાના આરોપમાં પંતનગર પોલીસે યુવતીના ૪૨ વર્ષના માસાની ધરપકડ કરી છે. માનસિક અસ્વસ્થતામાંથી પસાર થઈ રહેલી યુવતીની મજબૂરી અને અસ્થિરતાનો અયોગ્ય ફાયદો ઉઠાવીને તેના સગા માસાએ શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. યુવતી તરફથી સતત નકાર મળવા છતાં માસાએ ભાણેજ પર સતત નજર રાખીને તેને શિકાર બનાવવાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ ઘટના પચીસ જૂને બની હતી. જોકે સગા માસાએ કરેલી ઘટના બાદ યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. તાજેતરમાં તે ઘર છોડી નીકળી ગઈ હતી અને નજીકના સંબંધીએ હિંમત આપ્યા બાદ ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પહોંચી હતી.
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પચીસ જૂને આરોપીની ઑફિસના ઉદ્ઘાટન બાદ આરોપીએ યુવતીને ઘરે મૂકવાના બહાને પોતાની લક્ઝરી કારમાં બેસાડી હતી. ત્યાર બાદ તે કારને BKCના એક સૂમસામ વિસ્તારમાં લઈ ગયો અને ત્યાં તેણે કાર એવી રીતે ઊભી રાખી કે ડાબી બાજુથી યુવતી બહાર નીકળી ન શકે. આરોપીએ તેને બિઝનેસમાં પાર્ટનર બનાવવાની અને પૈસા કમાઈ આપવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવાની ઑફર કરી હતી. યુવતીએ વિરોધ કરતાં તેણે યુવતી સાથે ઝપાઝપી કરીને તેની છાતી દબાવી હતી અને ત્યાર બાદ પોતાની પૅન્ટની ચેઇન ખોલીને બળજબરીથી વિકૃત અને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ભયાનક બનાવથી ગભરાઈ ગયેલી યુવતી ભારે માનસિક ડિપ્રેશનમાં સરી પડી હતી. ઑગસ્ટ મહિનામાં તે નિરાશામાં રાત્રે એકલી ઘરની બહાર નીકળી ગઈ ત્યારે તેના મામાને રસ્તા પર મળી ગઈ હતી. યુવતીની બગડતી સ્થિતિ જોઈને પરિવારજનો તેને સારવાર અર્થે ખારઘરસ્થિત રીહૅબ સેન્ટર લઈ ગયા હતા. ત્યાં કાઉન્સેલિંગ દરમ્યાન યુવતીએ પોતાની સાથે થયેલા આ ઘૃણાસ્પદ અત્યાચારની આપવીતી સંભળાવી હતી. કાઉન્સેલરે આ વિશે પરિવારને જાણ કરતાં જ યુવતીના પિતા તેને લઈને અમારી પાસે આવ્યા હતા અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.’
પોલીસનો જામીનઅરજી સામે સખત વિરોધ
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આ કેસમાં બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે અને ફૉરેન્સિક તપાસ હાથ ધરી છે. હાલ આરોપીએ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી છે, પરંતુ અમે કોર્ટ સમક્ષ સખત વાંધો ઉઠાવ્યો છે, કારણ કે આરોપી ગંભીર અને અનૈસર્ગિક જાતીય ગુનાનો આરોપી છે. તે યુવતીનો સગો હોવાથી બહાર આવીને સાક્ષીઓ પર દબાણ લાવવાની કે પુરાવા સાથે ચેડાં કરવાની પૂરેપૂરી શક્યતા છે, એથી તેને જામીન મળવા ન જોઈએ.’