ભાજપ સાથે ગઠબંધનને લઈ અશોક ચૌહાણના દાવા પર શરદ પવારે આપી પ્રતિક્રિયા

03 October, 2022 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NCP પ્રમુખ શરદ પવાર( Sharad Pawar)એ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણના દાવાને ફગાવી દીધો હતો.

શરદ પવાર

NCP પ્રમુખ શરદ પવાર( Sharad Pawar)એ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણના દાવાને ફગાવી દીધો હતો. પુણેમાં તેમણે કહ્યું કે અશોક ચૌહાણ શું કહે છે તે મેં ક્યારેય સાંભળ્યું નથી. એનસીપીને કોઈ ઓફર આપવામાં આવી નથી, જો આવું કંઈક થયું હોત તો મને ખબર હોત. આ દરમિયાન તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર પણ પ્રતિક્રિયા આપી હતી.

અશોક ચૌહાણે આ દાવો કર્યો હતો
હકીકતમાં, તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા અને તત્કાલીન કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પ્રતિનિધિમંડળ સાથે તેમને મળ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદેએ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર હતી જ્યારે શિંદેએ તેમની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સીએમ હતા. અશોક ચૌહાણે એમ પણ કહ્યું કે તેમણે એકનાથ શિંદેને NCPના વડા શરદ પવાર સાથે આ અંગે ચર્ચા કરવા કહ્યું હતું.

અશોક ચૈહાણના દાવા પર પવારની પ્રતિક્રિયા
તેમના દાવા પર પ્રતિક્રિયા આપતા, પુણેમાં એનસીપીના વડાએ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને કોઈએ આવી ઓફર કરી નથી. તેમણે કહ્યું કે `જો આવી ઓફર NCPને કરવામાં આવી હોત તો મને તેની જાણ થઈ હોત. જો કે NCP નેતાઓને નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ ઓછામાં ઓછું તેઓ મને બધી માહિતી આપે છે, તેથી અશોક ચૌહાણે જે પણ કહ્યું, મેં તેમના વિશે ક્યારેય સાંભળ્યું નથી.`

ભારત જોડો યાત્રા પર આ નિવેદન આપવામાં આવ્યું 
આ દરમિયાન એનસીપી દ્વારા `ભારત જોડો યાત્રા`ના મહારાષ્ટ્ર તબક્કામાં સામેલ થવાના પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે આ કોંગ્રેસનો કાર્યક્રમ છે. અન્ય પક્ષો માટે આમાં સામેલ થવાનું કોઈ કારણ નથી. આ સિવાય કોંગ્રેસના એકપણ નેતાએ અન્ય પાર્ટીઓને યાત્રામાં સામેલ થવા માટે કહ્યું નથી. તેથી કોંગ્રેસની યાત્રામાં જોડાવાનું કોઈ કારણ નથી.

આ પણ વાંચો: Mumbai: વિરારમાં ગરબા રમતાં રમતાં યુવકનું મોત, આઘાત લાગતા પિતાના પ્રાણ પણ છૂટ્યા

દશેરા રેલીઓના વિવાદ પર શિવસેનાના બંને જૂથોને અપીલ
દશેરા રેલીઓના આયોજનને લઈને શિવસેનાના બે જૂથો વચ્ચે ચાલી રહેલી તકરાર પર બોલતા, NCP વડાએ કહ્યું કે આ કોઈ નવી વાત નથી. આવા પક્ષીય સંઘર્ષોમાં આવી પરિસ્થિતિઓ સર્જાતી રહે છે. પરંતુ આવા સંઘર્ષમાં બંને પક્ષોએ ચોક્કસ મર્યાદામાં વિરોધ કરવો જોઈએ, નહીં તો રાજ્યની જનતાને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં આવા વાતાવરણને સુધારવા માટે વરિષ્ઠ અને જવાબદાર નેતાઓએ આગળ આવવું જોઈએ. અને તેની મુખ્ય જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદેએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના જૂથના નેતાઓએ એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી કડવાશ વધે.

આ સાથે જ મરાઠા આરક્ષણને લઈને તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તેના પર નિર્ણય લેવો જોઈએ, પરંતુ તે પણ નક્કી કરવું જરૂરી છે કે આ મુદ્દે લોકો વચ્ચે કોઈ વિવાદ ન થાય.

mumbai news maharashtra sharad pawar congress