એનસીપીએ શિવસેનાને ડિંગો બતાવ્યો

12 January, 2022 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે યુપી અને ગોવામાં ઉદ્ધવની પાર્ટી સાથે હાથ મિલાવવાને બદલે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સાથે અને ગોવામાં કૉન્ગ્રેસ-તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે યુતિ કરવાની તૈયારીમાં

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસ સાથે મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે ગઈ કાલે ટૂંક સમયમાં યોજાનારી ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર જેવાં પાંચ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને ગોવામાં કૉન્ગ્રેસ અને મમતા બૅનરજીના પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે યુતિ કરવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
શરદ પવારે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ટૂંક સમયમાં યોજાનારી પાંચમાંથી ત્રણ રાજ્યમાં એનસીપી ચૂંટણીમાં ઝંપલાવશે. મણિપુરમાં એનસીપીના ૪ વિધાનસભ્ય હતા. અહીં કૉન્ગ્રેસ સાથે યુતિમાં ચૂંટણી લડીશું. અહીં એનસીપી પાંચ બેઠક લડશે. ગોવામાં કૉન્ગ્રેસ અને તૃણમૂલ કૉન્ગ્રેસ સાથે યુતિ કરવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ગોવામાં કેટલીક બેઠક પર અમારી ચૂંટણી લડવાની તૈયારી છે, જેની યાદી અમે આ બન્ને પક્ષને આપી દીધી છે. આગામી બે દિવસમાં યુતિ બાબતે નિર્ણય લેવાવાની શક્યતા છે.’
શરદ પવારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ સાથે યુતિમાં ચૂંટણી લડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં એનસીપીની સમાજવાદી અને અન્ય નાના પક્ષો સાથે યુતિ થઈ છે. યુતિના દરેક પક્ષના નેતાઓની એક મોટી બેઠક થશે. ઉત્તર પ્રદેશમાં કેટલીક બેઠકો લડવા બાબતે અમારી ચર્ચા થઈ છે. આવતી કાલે લખનઉમાં બેઠકોની ફાળવણી થશે. આવતા અઠવાડિયે અમે બધા ઉત્તર પ્રદેશમાં પ્રચારમાં સામેલ થઈશું. ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ ઘણી બદલાયેલી છે.’
નવાઈની વાત એ છે કે ઉત્તર પ્રદેશ અને ગોવામાં શિવસેનાની ઇચ્છા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની હતી, પણ ગઈ કાલે શરદ પવારે કરેલી જાહેરાત પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ મહારાષ્ટ્રની બહાર શિવસેના સાથે યુતિ કરવાના મૂડમાં જરાય નથી.

mumbai mumbai news shiv sena congress uddhav thackeray sharad pawar assembly elections