મમ્મી ક્યારે આવશે? : હજી પણ શીતલ દામાની દીકરી ધ્વનિ રોજ પૂછે છે

13 June, 2021 07:50 AM IST  |  Mumbai | Mehul Jethva

નવ મહિના થઈ ગયા ઘાટકોપરનાં શીતલ દામા ખુલ્લી ગટરમાં પડીને મૃત્યુ પામ્યાં પણ આ કેસની તપાસમાં હજી સુધી કશી જ પ્રગતિ થઈ નથી : પરિવારજનોને કોઈ જવાબ નથી મળી રહ્યો : મમ્મીની રાહ જોતી ત્રણ વર્ષની દીકરીને શું કહેવું એ છે તેમની સામે મોટો સવાલ

શીતલ દામા

ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં રહેતાં ૩૨ વર્ષનાં શીતલ દામા ચક્કીએ લોટનો ડબ્બો લેવા ગયા બાદ ગુમ થઈ ગયાં હતાં અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ વીસેક કિલોમીટર દૂર હાજીઅલી પાસેથી મળી આવ્યો હતો. ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ચક્કીની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં પડી જવાને લીધે તેમનું મૃત્યુ થયું હતું અને તેમની ફરિયાદના આધારે પોલીસે એફઆઇઆર નોંધ્યો હતો અને સુધરાઈએ આ કેસની તપાસ તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય દરાડેને સોંપી હતી. આજે આ ઘટનાને નવ મહિના વીતી ગયા હોવા છતાં શીતલ દામાના પરિવારજનોને સત્તાવાર રીતે ખબર નથી કે તેમનું મૃત્યુ કઈ રીતે થયું હતું. જોકે તેમનું તો આજે પણ કહેવું છે કે બીએમસીની બેદરકારીને લીધે ગટરમાં પડી જવાથી શીતલનું મૃત્યુ થયું હતું.

ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં રહેતાં શીતલ દામા ભરવરસાદમાં ચક્કીએ લોટનો ડબ્બો લેવા ગયાં હતાં, પણ થોડો સમય સુધી પાછાં ન આવતાં તેમના ઘરવાળાઓએ શોધખોળ શરૂ કરી હતી અને તેમને સ્થાનિક લોકોએ કહ્યું હતું કે શીતલ દામા કદાચ ચક્કીની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં પડી ગયાં હોવાં જોઈએ. સુધરાઈએ આ લીડના આધારે તપાસ શરૂ કરી હતી, પણ તેમને ભાળ નહોતી મળી. છેવટે બે દિવસ બાદ તેમનો મૃતદેહ તેમના ઘરથી વીસેક કિલોમીટર દૂર હાજીઅલી પાસેથી મળી આવ્યો હતો. એ સમયે આ ઘટનાને લઈને બહુ ઊહાપોહ મચ્યો હતો અને રાજકીય નેતાઓએ પણ આ મુદ્દે સુધરાઈની ખિલાફ આંદોલનો કર્યાં હતાં. જોકે નવાઈની વાત એ છે કે આજે પણ પોલીસે એફઆઇઆર દાખલ કરવાથી આગળ કંઈ કર્યું હોવાનું દેખાતું નથી. પરિવારજનોને પૂછતાં તેઓ કહે છે કે અમને તો કંઈ જવાબ જ નથી મળી રહ્યો.

આ એ જ ઓપન ડ્રેઇન છે જેમાં શીતલ દામા પડી ગયાં હતાં.

બે દિવસ પહેલાં ભાંડુપમાં બે મહિલા એસડબ્લ્યુડીના સર્વિસ ડક્ટમાં પડી જતાં આ ઘટનાની યાદ ફરી એક વાર તાજી થઈ ગઈ છે. શીતલ દામાના પતિ જિતેશ દામાનું કહેવું છે કે ભલે આ ઘટનાને નવ મહિના વીતી ગયા, પણ તેમનો પરિવાર હજી આગળ નથી વધી શક્યો. શરૂઆતના દિવસોમાં બધા અમને મદદ કરવા આવ્યા હતા અને કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ, પણ હવે અમે શું કરી રહ્યા છીએ કે અમારો કેસ ક્યાં પહોંચ્યો એ પૂછવાની પણ કોઈએ તસ્દી નથી લીધી. આ બાબતે જિતેશ દામાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુધરાઈની બેદરકારીને લીધે અમારી તો જિંદગી અટકી ગઈ છે. મારી ત્રણ વર્ષની દીકરી ધ્વનિ આજે પણ દિવસમાં ત્રણ-ચાર વખત મમ્મી ચક્કીથી ક્યારે આવશે એવું પૂછ્યા કરે છે. એટલું જ નહીં, ઘણી વાર તો તે પોતે તેની મમ્મીને શોધવા ચક્કી સુધી જતી રહે છે. મારો ૧૨ વર્ષનો દીકરો પણ એકદમ ગુમસૂમ રહે છે. પહેલાં જેવું કંઈ નથી રહ્યું. રોજ મારી દીકરીને શું જવાબ આપવો એ જ મને નથી સમજાતું. પોલીસ કે બીએમસી કોઈ અમને દાદ દેવા તૈયાર નથી.’

એ સમયે દામા પરિવારના સપોર્ટમાં ઊભા રહેનારા બીજેપીના નેતા અને ઉત્તર-પૂર્વ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુધરાઈની બેદરકારીને લીધે છેલ્લા ચાર-પાંચ દિવસમાં બે-ત્રણ કિસ્સા ગટરમાં પડવાના બન્યા છે. શીતલ દામાના કેસમાં પોલીસ કે બીએમસી કોઈએ કંઈ નથી કર્યું. હું આ કેસમાં પરિવારજનોની સાથે જ છું.’

આ કેસની તપાસ કરનારા તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય દરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં હું સેવાનિવૃત્ત થઈ ગયો હોવાથી આ કેસ બાબતે કંઈ નહીં કહી શકું. મેં મારો રિપોર્ટ ઘટનાના પંદર દિવસમાં જ કમિશનરને સોંપી દીધો હતો.’

અસલ્ફા વિલેજ જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે એ ચિરાગનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર આગરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ મહિના પહેલાં જ આ પોલીસ સ્ટેશનમાં મારી નિમણૂક થઈ હોવાથી આ કેસ વિશે મને કંઈ ખબર નથી. જો એફઆઇઆર થઈ હશે તો અમારા અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ હશે.’

આ સિવાય કંઈ પણ કહેવાનું તેમણે ટાળ્યું હતું. આ સંદર્ભમાં સ્થાનિક વૉર્ડના વૉર્ડ ઑફિસર મનીષ વલાન્જુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. શીતલ દામા ઓપન ગટરમાં પડ્યાં હતાં કે નહીં એ બાબતે હજી અમારા હાથમાં કોઈ પુરાવા લાગ્યા નથી.’

અમારો કેસ ક્યાં પહોંચ્યો એ પૂછવાની પણ કોઈએ તસ્દી નથી લીધી . મારો ૧૨ વર્ષનો દીકરો પણ એકદમ ગુમસૂમ રહે છે. પહેલાં જેવું કંઈ નથી રહ્યું. રોજ મારી દીકરીને શું જવાબ આપવો એ જ મને નથી સમજાતું. પોલીસ કે બીએમસી કોઈ અમને દાદ દેવા તૈયાર નથી.
જિતેશ દામા, પતિ

mumbai mumbai news ghatkopar mehul jethva mumbai police brihanmumbai municipal corporation