04 December, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારનો દીકરો પાર્થ પવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના દીકરા પાર્થ પવારની કંપનીને વેચવામાં આવેલી પુણેના મુંઢવાની સરકારી જમીનના હાઈ-પ્રોફાઇલ કેસમાં પુણે પોલીસે બુધવારે શીતલ તેજવાણીની ધરપકડ કરી હતી. હાઈ-પ્રોફાઇલ કેસમાં કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે.
પુણેના જૉઇન્ટ કમિશનર રંજનકુમાર શર્માએ કહ્યું હતું કે ‘ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે શીતલ તેજવાણીની ધરપકડ કરી હતી. શીતલ પર આરોપ છે કે તેણે ૪૦ એકર જમીન પાર્થ પવાર અને તેના પાર્ટનર દિગ્વિજય પાટીલની કંપની એમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને ૩૦૦ કરોડ રૂપિયામાં વેચી હતી. એ માટે તેણે એ જમીનના અગાઉના ૨૨૭ માલિકો પાસેથી પાવર ઑફ ઍટર્ની મેળવ્યા હતા. મૂળમાં એ જમીન સરકારી માલિકીની હતી અને બૉટનિકલ સર્વે ઑફ ઇન્ડિયાને લીઝ પર આપવામાં આવી હતી.’
પાર્થ પવારનું નામ આરોપી તરીકે કેસમાં નોંધવામાં આવ્યું નથી, કારણ કે સેલ ડીડમાં તેના નામનો ઉલ્લેખ નથી એમ પોલીસે આ પહેલાં જ જણાવ્યું હતું.