31 December, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેનાના ત્રણ કાર્યકરોએ ગઈ કાલે અપક્ષ તરીકે ફૉર્મ ભર્યું હતું.
મિની કચ્છ ગણાતું મુલુંડ ભારતીય જનતા પાર્ટી (BJP)નો વર્ષોથી ગઢ રહ્યું છે. અહીં છેલ્લાં ૧૫ વર્ષથી BJPના વિધાનસભ્ય અને નગરસેવકો ચૂંટાઈ આવે છે ત્યારે સોમવારે BJPના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ એક પ્રકારે મુલુંડમાં ડૅમેજ-કન્ટ્રોલની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે BJP - શિવસેના (એકનાથ શિંદે) અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ની યુતિ હોવા છતાં દરેક પાર્ટીના નારાજ કાર્યકરોએ ‘એકલા ચલો’ની ભૂમિકા સાથે ગઈ કાલે અપક્ષ તરીકે ફૉર્મ ભર્યાં હતાં. મુલુંડના શિવસેના અને RPIના કાર્યકરોએ દાવો કર્યો હતો કે BJPએ તેમની સાથે છેતરપિંડી કરી છે એટલે તેમણે પાર્ટીના સિનિયર નેતાના નિર્દેશ મુજબ અપક્ષ તરીકે ફૉર્મ ભર્યાં છે. આ વખતે બન્ને પાર્ટીના કાર્યકરો BJPના ઉમેદવારોની કોઈ પ્રકારે મદદ નહીં કરે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં BJPએ મુલુંડમાં ડૅમેજ-કન્ટ્રોલ માટે પ્રયાસ કરવો પડે એવી શક્યતા સામે આવી છે.
શિવસેનાના કાર્યકરોએ અપક્ષ તરીકે ફૉર્મ ભર્યાં
શિવસેનાના મુલુંડના વિભાગ-પ્રમુખ જગદીશ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી અમારા કાર્યકરોએ BJPના ઉમેદવારોને જિતાડવા માટે તનતોડ મહેનત કરી હતી. અમારી પાર્ટીના પણ મુલુંડમાં હજારો કાર્યકરો છે. વિધાનસભાની ચૂંટણી વખતે અમારી ઇચ્છા હતી કે આ વખતે મુલુંડમાં અમારી પાર્ટીનો વિધાનસભ્ય હોય. જોકે એ સમયે BJPના વરિષ્ઠ નેતાઓએ BMCની ચૂંટણીમાં સરખી સીટો આપીને બધું સરભર કરી દઈશું એવો વાયદો કર્યો હતો. જોકે હાલમાં અમને એક પણ સીટ મુલુંડમાં આપવામાં આવી નથી એને કારણે અમારા શિવસૈનિકો ખૂબ નારાજ છે. તેઓ BJPના કૅન્ડિડેટનું કામ કરવા તૈયાર નથી એ જ કારણસર ગઈ કાલે અમારી પાર્ટીનાં સભ્ય અને ભૂતપૂર્વ નગરસેવિકા સુજાતા પાઠકે વૉર્ડ-નંબર ૧૦૫માંથી ફૉર્મ ભર્યું છે. એવી જ રીતે વિનોદ ગાયકવાડે વૉર્ડ-નંબર ૧૦૬માંથી અને મનિન્દર કૌર કીરે વૉર્ડ-નંબર ૧૦૩માંથી ફૉર્મ ભર્યું છે. આ વખતે અમે અમારી પાર્ટીના કાર્યકરો માટે મદદ કરીશું. આ ફેંસલો અમે અમારા વરિષ્ઠ સાથે વાત કરીને લીધો છે.’
BJPએ છેતરપિંડી કરી : RPI
RPIના મુલુંડના પ્રમુખ વિનોદ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ વર્ષ પહેલાં અમારી પાર્ટીનો નગરસેવક મુલુંડમાં હતો એટલે અમારા સાથી-પક્ષ BJP પાસે અમે સતત નગરસેવકની ચૂંટણી વખતે અમારા પાર્ટીના કાર્યકરો માટે ટિકિટ માગી હતી, પણ તેમણે દર વખતે અમને નવાં-નવાં ચૂરણ ચટાડ્યાં હતાં. અમારા પાર્ટીના કાર્યકરોની મદદથી BJPના વિધાનસભ્ય અને નગરસેવકો મુલુંડમાં રહ્યા છે. આ વખતે પણ અમે મુલુંડમાં માત્ર એક-બે ટિકિટ માગી હતી, પણ એય આપવામાં નથી આવી એટલે મુલુંડના વૉર્ડ-નંબર ૧૦૪માં મેં મારી પાર્ટીના AB ફૉર્મ પર ઉમેદવારી નોંધાવી છે. આ વખતે અમારા પાર્ટીના કાર્યકરો BJPના કૅન્ડિડેટને કોઈ મદદ નહીં કરે.’
BJPના મહાસચિવે અપક્ષ તરીકે ફૉર્મ ભર્યું
મુલુંડ BJPના મહાસચિવ પ્રકાશ મોટેએ સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપીને ગઈ કાલે અપક્ષ તરીકે ફૉર્મ ભર્યું હતું. પ્રકાશ મોટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પાર્ટી માટે ૪૦ વર્ષ કામ કર્યું છે અને એનું ફળ મને પાર્ટીએ ખૂબ કડવું આપ્યું છે. હવે મેં પાર્ટીને રામ-રામ કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.’