18 March, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેશ મ્હસ્કે
લાંબા વખતથી થાણે અને મુલુંડ વચ્ચે સ્ટેશન બનાવવાનો પ્લાન થઈ રહ્યો હતો. એ માટે હવે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એ માગણી મંજૂર કરી છે અને પ્રોજેક્ટ માટે ૨૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરવામાં આવશે. વળી એ સ્ટેશનનું નામ ધર્મવીર આનંદ દીઘે સ્ટેશન રાખવામાં આવે એવી માગણી કરાઈ હોવાનું શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે.
નરેશ મ્હસ્કે અને શિવસેનાના અન્ય સંસદસભ્ય શ્રીકાંત શિંદેએ આ સંદર્ભે ૨૦૨૪માં રજૂઆત કરી હતી. હવે અશ્વિની વૈષ્ણવે આ સ્ટેશન માટે ૨૫૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને એ પ્રપોઝલ રેલવે બોર્ડને મોકલવામાં આવી છે. મૂળ આ સ્ટેશન માટે ૨૦૧૫થી રજૂઆત કરવામાં આવી રહી હતી. જોકે કોઈ ને કોઈ કારણસર એ કામ આગળ વધી નહોતું રહ્યું. એ વખતે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ ફન્ડ આપવાની તૈયારી દર્શાવી હતી અને સાથે અમુક શરતો પણ મૂકવામાં આવી હતી. આખરે નરેશ મ્હસ્કેએ રેલવે મિનિસ્ટ્રીને વિનંતી કરી એ પ્રોજેક્ટ ટેકઓવર કરવા કહ્યું હતું. હવે રેલવે મિનિસ્ટ્રીએ એ માટે ફન્ડ ફાળવવાની જાહેરાત કરી છે એથી એ સ્ટેશનનનું કામ આગળ વધી શકશે. થાણે અને મુલુંડના હજારો પ્રવાસીઓને આ સ્ટેશનથી લાભ થશે.