15 November, 2025 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બાંદરા-વેસ્ટમાં આવેલી ‘તાજ લૅન્ડ્સ એન્ડ’ના કર્મચારીઓનાં બે યુનિયન છે, એક ભારતીય જનતા પાર્ટી (BJP)નું યુનિયન અખિલ ભારતીય કર્મચારી સંઘ અને બીજું શિવસેના (UBT)નું ભારતીય કામગાર સેના. એ બન્ને યુનિયન વચ્ચે ગઈ કાલે વિખવાદ થયો હતો.
અખિલ ભારતીય કર્મચારી સંઘ દ્વારા ભારતીય કામગાર સેનાના સભ્યોને ફોસલાવીને તેમની પાસેથી સહીઓ કરાવી પોતાના યુનિયનમાં જોડી રહ્યા છે એવા આરોપ થયા હતા. આ બાબતે ગઈ કાલે બન્ને યુનિયનના સભ્યો સામસામે આવી ગયા હતા. આ બાબતે જાતતપાસ કરવા શિવસેનાના નેતા અનિલ પરબ તાજ લૅન્ડ્સ એન્ડ પહોંચી ગયા હતા. જોકે એ વખતે ત્યાં તહેનાત પોલીસે તેમને અંદર જતા રોકતાં તેઓ ભડક્યા હતા. પોલીસે તેમને કહ્યું હતું કે ‘હોટેલની અંદર BJPના નેતાઓ સાથે ચર્ચા કરવા અનિલ પરબ અને અમુક લોકો જ જાય ત્યારે ઉશ્કેરાઈ ગયેલા અનિલ પરબે કહ્યું હતું કે હું મારા ઓછામાં ઓછા ૨૫ જેટલા કર્મચારીઓને સાથે લઈને જઈશ. તમે સત્તામાં છો એટલે ઘમંડ ચડી ગયો છે. એ પછી શિવસેનાના કર્મચારીઓએ ત્યાં ધમાલ મચાવી હતી.