મારી પાસે BJPના કૌભાંડની ફાઇલ છે એવું કહ્યાના માત્ર ૧૦ દિવસમાં અજિત પવારનું મૃત્યુ થયું એ રહસ્યમય કહેવાય

03 February, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના (UBT)ના સંજય રાઉતે આવો ધડાકો કરીને આ કેસની ન્યાયાલયીન તપાસની માગણી કરી

સંજય રાઉત

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ તેમણે BJPના કૌભાંડ વિશે ફાઇલ હોવાનો ખુલાસો કર્યાના થોડા દિવસ પછી જ થયું હતું અને કહ્યું કે ઘટનાઓની શ્રેણી રહસ્યમય હતી. સંજય રાઉતે સંસદમાં આ પ્રશ્નની રજૂઆત કરીને કેસની ન્યાયાલયીન તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે.  

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે દાવો કર્યો હતો કે ‘અજિત પવારે BJP સાથેના સંબંધો તોડીને તેમના કાકા શરદ પવાર સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. અજિત પવાર સતત કહેતા હતા કે તેમની પાસે BJPના કૌભાંડની ફાઇલ છે અને તેઓ આનો ખુલાસો કરશે. તેમણે ૧૫ જાન્યુઆરીએ આ વાત કહી હતી અને આગામી ૧૦ દિવસમાં તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું. આ રહસ્યમય છે.’

સંજય રાઉતે દાવો કર્યો હતો કે ‘કૉર્પોરેશનના ચૂંટણીપ્રચાર દરમ્યાન અજિત પવારે દાવો કર્યો હતો કે ૧૯૯૫થી ૧૯૯૯ દરમ્યાન રાજ્યમાં BJP સત્તામાં હતી ત્યારે તેમની પાસે ભ્રષ્ટાચારની ફાઇલ હતી. અજિત પવારે જે દિવસથી જાહેર કર્યું કે તેમની પાસે BJPનાં કૌભાંડની ફાઇલ છે ત્યારથી મને શંકા હતી. આનો અર્થ એ થયો કે અજિતદાદાએ BJP સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે અજિતદાદા ફરીથી શરદ પવાર સાથે પાછા ફરવા માગતા હતા.’

સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે ‘જોકે શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે અજિત પવારનું મૃત્યુ એક અકસ્માત હતો અને એના પર કોઈ રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ તેમને પણ ખ્યાલ આવશે કે આ દેખાય છે એટલું સરળ નથી. અજિત પવાર જેવી વ્યક્તિ વિમાનમાં બેસે છે અને વિમાનમાં કોઈ અન્ય મહત્ત્વની વ્યક્તિ નથી, કોઈ ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી નથી. અજિત પવાર પોતાના મૂળ ઘરે, પક્ષમાં પાછા ફરે એ BJP માટે હાર હતી. એ દેશના રાજકારણમાં એક વળાંક હોત અને BJPનો આતંક સમાપ્ત થયો હોત. અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી BJPની ગુલામ બની ગઈ છે.’

BJPનો પ્રત્યુત્તર

સંજય રાઉતના આરોપની BJPની મહિલા પાંખનાં નેતા ચિત્રા વાઘે તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘તેઓ અવિચારી અને અપ્રમાણિત દાવા કરીને પોતાના હિત માટે કોઈના મૃત્યુનો ઉપયોગ કરી રહ્યા છે. જો અજિત પવાર પાસે BJP વિરુદ્ધ કોઈ દસ્તાવેજ હોય અને જો એ સળગાવવામાં ન આવ્યા હોય તો એને તેમણે શોધી કાઢવા જોઈએ અને ભેગા કરવા જોઈએ. સંજય રાઉત કોર્ટનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે. સંજય રાઉત આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ જઈ શકે છે, કારણ કે તેઓ ભારતીય કોઈ પણ બાબતમાં માનતા નથી.’

mumbai news mumbai sanjay raut maharashtra political crisis political news ajit pawar nationalist congress party bharatiya janata party shiv sena