22 June, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્રકારોને સંબોધતા નાગેશ પાટીલ-આષ્ટીકર.
સરકારમાં ન હોવાથી જનતાના કામ માટે ફન્ડ મળતું નથી એટલે નિર્ણય લીધો હોવાનું કારણ આગળ ધર્યું
શિવસેના (UBT)માંથી અલગ ચોકો માંડનારા ૬ સંસદસભ્યોમાંના એક હિંગોળીના સંસદસભ્ય નાગેશ પાટીલ-આષ્ટીકરે ગઈ કાલે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય શા માટે લીધો એ વિશે બહુ જ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સરકારમાં ન હોવાથી કામ થતાં નહોતાં અને ફન્ડ પણ મળતું નથી. એટલે જ મેં આ નિર્ણય લીધો.’
નાગેશ પાટીલ-આષ્ટીકરે શિવસેના (UBT)માંથી નીકળવાનો નિર્ણય લીધા બાદ પહેલી જ વાર તેમના નિર્ણય વિશે જાહેરમાં વાત કરી હતી. તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘અમે ૧૮ જૂન સુધી ક્યાંય ગયા નહોતા, પણ શિવસેનાના સ્થાપના દિને અમારા પર હલકી કમેન્ટ કરવામાં આવી જેને કારણે અમને દુઃખ થયું. સાચું કહું તો તમે જુઓ છો કે છેલ્લા અનેક દિવસોથી સરકારમાં ન હોઈએ તો કામો થતાં નથી. મેં આ જે પગલું ઉપાડ્યું છે એ લોકોએ મને જે આશા સાથે સંસદસભ્ય તરીકે ચૂંટી કાઢ્યો છે એ કામ પૂરાં કરવા જ આ પગલું લીધું છે. સત્તામાં આવ્યા સિવાય લોકોનાં ઘણાં બધાં કામ થતાં નથી. ઘણા લોકોને મારી આ ભૂમિકા પસંદ નહીં આવી હોય અને કોઈને આવી પણ હશે, પણ લોકોએ મને જે જવાબદારી સોંપી છે એ ચોક્કસ પાર પાડીશ.’
શિવસેનામાંથી શિવસેનામાં જ ભળ્યો હોવાની સ્પષ્ટતા આપતાં નાગેશ પાટીલ-આષ્ટીકરે કહ્યું હતું કે ‘હું મારું કામ કરીને મારા નારાજ કાર્યકરોને સમજાવીશ કે હું બીજે ક્યાંય ગયો નથી, શિવસેનામાંથી શિવસેનામાં જ ગયો છું. મેં વિચારધારા છોડી નથી. હું કાર્યકર્તાઓ સાથે હંમેશાં રહીશ.’