જેન-ઝી માટે રમતગમતનાં મેદાનો છે જ ક્યાં?

24 August, 2026 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં ખુલ્લાં મેદાનો બચાવવા માટે શિવસેના (UBT) મેદાનમાં, આદિત્ય ઠાકરેનો મુખ્ય પ્રધાન પર પ્રહાર

રવિવારે બાંદરામાં નેવિલ ડિસોઝા ફુટબૉલ ગ્રાઉન્ડને બચાવવા માટે ફુટબૉલ ખેલાડીઓ અને મુંબઈ ફુટબૉલ અસોસિએશને શિવસેના-UBTના આદિત્ય ઠાકરે દ્વારા આયોજિત તિરંગા આંદોલનમાં ભાગ લીધો હતો. તસવીર : શાદાબ ખાન

મુંબઈમાં આવેલાં રમતગમતનાં ખુલ્લાં મેદાનો અને મનોરંજનનાં સ્થળોની જાળવણી માટે શિવસેના (UBT) દ્વારા મુંબઈનાં ખુલ્લાં મેદાનો બચાવો આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બાંદરાસ્થિત નેવિલ ડિસોઝા ફુટબૉલ ગ્રાઉન્ડનું રિઝર્વેશન બદલવાના વિરોધમાં આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં તિરંગા આંદોલન યોજાયું હતું.

આ પ્રસંગે આદિત્ય ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જેન-ઝીને સ્ક્રીન છોડીને મેદાન પર સમય વિતાવવાની સલાહ આપી છે, પરંતુ સવાલ એ છે કે તમે બાળકો માટે મેદાનો બચાવ્યાં જ ક્યાં છે? આદિત્ય ઠાકરેએ વધુમાં ઉમેર્યું હતું કે ‘મુંબઈનાં ખુલ્લાં મેદાનો, પ્લે-ગ્રાઉન્ડ્સ અને રેક્રીએશન ગ્રાઉન્ડ્સ મૂળ સ્વરૂપે સુરક્ષિત રહે અને અેના પર સિમેન્ટ-કૉન્ક્રીટનું અતિક્રમણ ન થાય અે માટે આ લડાઈ શરૂ કરવામાં આવી છે. છેલ્લાં ૪ વર્ષમાં મુંબઈનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને આ સમયગાળા દરમ્યાન ૧૭થી વધુ રમતગમતનાં મેદાનોને રહેણાક અથવા વ્યાપારી હેતુ માટે ફાળવી દેવામાં આવ્યાં છે. મુંબઈના ભવિષ્ય અને બાળકોના રમતગમતના હક માટે આ મેદાનોનું અસ્તિત્વ ટકાવી રાખવું અત્યંત જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. 

mumbai news mumbai uddhav thackeray shiv sena political news maharashtra news devendra fadnavis aaditya thackeray