બીજેપી અને કૉન્ગ્રેસ બાદ હવે શિવસેના બીએમસીની ચૂંટણીની તૈયારીમાં લાગશે

11 January, 2022 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને આપ્યો આદેશ : ૫૦ વર્ષથી મોટી ઉંમરના નગરસેવકોને પાણીચું આપવાના સમાચારને આદિત્ય ઠાકરેએ રદિયો આપ્યો

આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે

મુંબઈ મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત આવતા મહિને પૂરી થઈ રહી છે ત્યારે પચીસ વર્ષથી સત્તામાં રહેલી શિવસેનાએ ફરી એક વખત વિજયી થવા માટે કમર કસી છે. શિવસેનાપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં આયોજિત પક્ષના સંસદસભ્યો, વિધાનસભ્યો સહિતના નેતાઓની બેઠકમાં ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાની સ્થિતિ અને શહેરમાં વૉર્ડ વધારવામાં આવ્યા હોવાથી નવેસરથી કરાઈ રહેલા સીમાંકનમાં સમય લાગવાની શક્યતા છે એટલે ચૂંટણી સમયસર યોજાવાની શક્યતા નથી. આમ છતાં, કૉન્ગ્રેસ, બીજેપી સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી હોવાથી શિવસેનાએ પણ તૈયારી આરંભી છે.
ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને શહેરના વિકાસ માટેની યોજનામાં ચાલી રહ્યાં કામ ઝડપથી પૂરાં કરો, એનો અહેવાલ તૈયાર કરો અને શિવસેનાએ અત્યાર સુધી કરેલાં કામ અને નિર્ણય લોકો સુધી પહોંચાડવા સજ્જ થવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અત્યારના ૨૨૭ વૉર્ડમાં ૯ વૉર્ડનો વધારો કરવામાં આવ્યો છે એટલે નવેસરથી વૉર્ડના સીમાંકનનું કામ ચાલી રહ્યું છે, જે આવતા મહિના સુધી પૂરું થવાની શક્યતા નથી તેમ જ મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે મુદત સમયે ચૂંટણી યોજાવાની કોઈ શક્યતા નથી. જોકે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કૉન્ગ્રેસે એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવાની સાથે મુખ્ય વિરોધી પક્ષ બીજેપી દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે એટલે શિવસેના તૈયારીમાં પાછળ ન રહી જાય એ માટે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક ધોરણે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો શિવસૈનિકોને આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.
એ સમાચાર ખોટા
છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં શિવસેના ૫૦ વર્ષથી મોટી ઉંમરના નગરસેવકોને રિપીટ નહીં કરે એવા સમાચાર વહેતા થયા છે. આવા સમાચારને લીધે શિવસેનામાં ચર્ચા જાગી છે. જોકે પક્ષ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાની ટ્વીટ ગઈ કાલે આદિત્ય ઠાકરેએ કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ‘એક ઉંમરથી મોટી વયના લોકોને સુધરાઈની ચૂંટણીમાં શિવસેના ટિકિટ નહીં આપે એવા સમાચાર ૨-૩ દિવસથી જોઈ રહ્યો છું. આ સમાચાર ખોટા છે. શિવસેના પક્ષમાં માત્ર જનતાની સેવા કરનારાઓને કોઈ પણ ભેદભાવ વિના ટિકિટ મળે છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation bihar elections shiv sena uddhav thackeray aaditya thackeray