10 September, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીસ્થિત પાંજરાપોળ અને કામવાડી વિસ્તારમાં ૬ બિલાડીઓની નિર્મમ હત્યા કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાણીપ્રેમી રુબીના પઠાણની ફરિયાદના આધારે RCF પોલીસ-સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રુબીના પઠાણના જણાવ્યા મુજબ તેને ત્રીજી સપ્ટેમ્બરે ૪ બિલાડીઓ મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે પાંચમી સપ્ટેમ્બરે વધુ બે બિલાડીઓનાં શબ મળી આવ્યાં હતાં જેમાંથી એક બિલાડીના માથા પર ભારે વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે પરેલની વેટરિનરી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને RCF પોલીસે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસ હાલ આરોપીઓની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ઝીણવટપૂર્વક તપાસી રહી છે.
આ ભયાનક ઘટના બાદ પ્રાણીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયાએ આરોપીની ધરપકડ અને સજા કરાવવામાં મદદ કરનાર વ્યક્તિને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.