31 March, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરનારના હાથ પરનું ટૅટૂ અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.
મુંબઈ–અમદાવાદ હાઇવે નજીક આવેલા પેલ્હાર ફાટા પાસે આંબેપાડા વિસ્તારમાં ગઈ કાલે સવારે ગૂણીમાં એક અજાણ્યા યુવકનો માથું કપાયેલો મૃતદેહ મળતાં એટલા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે પેલ્હાર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મરનાર યુવકની ઓળખ કરવા વધુ તપાસ હાથ ધરી છે. આંબેપાડા વિસ્તારમાં સવારના સમયે ત્યાંથી પસાર થતા કેટલાક લોકોને દુર્ગંધ આવતાં તેમણે તપાસ કરતાં તેમને ગૂણીમાં લોહીથી લથપથ મૃતદેહ જોવા મળ્યો હતો. એપછી તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
પેલ્હાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિતી મળતાં અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કવર કરી પુરાવા ભેગા કરવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મરનારની ઉંમર અંદાજે ૩૦થી ૩૫ વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહનું માથું કપાયેલું હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે જેને કારણે તપાસ વધુ પડકારજનક બની છે. આરોપીને શોધવા માટે આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી મરનાર યુવકને ત્યાં કઈ રીતે લાવવામાં આવ્યો એ વિશે માહિતી મળી શકે. તપાસ દરમ્યાન એક મહત્ત્વનો પુરાવો મળ્યો છે જે કેસ ઉકેલવામાં મદદરૂપ બની શકે છે. મરનાર યુવકના જમણા હાથ પર ‘અશોક સિંહ’ નામ અને બદામનું ટૅટૂ જોવા મળ્યું છે. આ ટૅટૂ તેની ઓળખ સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ફૉરેન્સિક ટીમે સ્થળ પરથી વિવિધ નમૂના એકત્ર કર્યા છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ફૉરેન્સિક રિપોર્ટ મળ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને સમય વિશે વધુ માહિતી મળી શકે એવી શક્યતા છે. પ્રાથમિક અનુમાન મુજબ યુવકની હત્યા અન્ય જગ્યાએ કરીને તેનો મૃતદેહ અહીં ફેંકી દેવામાં આવ્યો હશે. અમે આસપાસ રહેતા લોકોને અપીલ કરી છે કે જો કોઈને ‘અશોક સિંહ’ નામનું ટૅટૂ ધરાવતી વ્યક્તિ વિશે માહિતી હોય અથવા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હોય તો તરત નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરે.’