11 November, 2025 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમાબાઈ બિલ્ડિંગનો એક ભાગ અડધી રાતે ધસી પડતાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
૨૬ ઑગસ્ટે વિરારમાં ધસી પડેલા ૪ માળના રમાબાઈ અપાર્ટમેન્ટનો ફ્લોર-પ્લાન અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે જમીનમાલિકે કોઈ ટેક્નિકલ સલાહ નહોતી લીધી એટલું જ નહીં, તેણે એ માટે આર્કિટેક્ટની મદદ પણ નહોતી લીધી. એક વર્ષની બાળકી સહિત ૧૭ લોકોનો જીવ લેનાર આ દુર્ઘટનાના કેસમાં ફાઇલ થયેલી ચાર્જશીટમાં આ ખુલાસો થયો છે.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુરુવારે ફાઇલ કરવામાં આવેલી ૪૦૧૫ પાનાંની ચાર્જશીટ મુજબ જમીનમાલિકે એક લેબર કૉન્ટ્રૅક્ટરને રાખ્યો હતો અને હલકી ગુણવત્તાવાળી બાંધકામ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો જેના કારણે ઇમારત ધરાશાયી થઈ હતી.
આ કેસના સંદર્ભે વિરાર પોલીસે કૉન્ટ્રૅક્ટર નીતલ સાને અને જમીનમાલિક પરશુરામ દળવી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પરશુરામ દળવી હયાત નથી અને નીતલ સાને સામે કેસ નોંધવામાં આવ્યો છે. તે અત્યારે જેલમાં છે.
૧૨ વર્ષ જૂનું બિલ્ડિંગ બે વર્ષ સુધી ટકી શકે એટલું મજબૂત પણ નહોતું
ચાર્જશીટમાં કેટલાક નિષ્ણાતો સહિત ૧૧૫ લોકોનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે. નીતલ સાનેએ ખુલાસો કર્યો હતો કે તેણે અને પરશુરામ દળવીએ કોઈ આર્કિટેક્ટ રાખ્યા વગર જ અગાઉ બંધાયેલા વન BHK અપાર્ટમેન્ટને ટૂ BHKમાં ફેરવીને વેચી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) વિભાગમાં આપવામાં આવેલા ફ્લોર-પ્લાનની તપાસ કરતાં જણાયું હતું કે આ માળખું ૧૨ વર્ષ જૂનું હતું અને બે વર્ષ સુધી ટકી શકે એટલું મજબૂત પણ નહોતું. તેમ જ બે ઇમારતોના પાયા વચ્ચે ફક્ત ૩ મીટરનું અંતર હતું, જેના પરિણામે પાયાનું સેટલમેન્ટ સમાન ન રહેતાં ઇમારતનો એક આખો ભાગ ધરાશાયી થયો હતો. વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC) દ્વારા ૨૦૧૮ અને ૨૦૨૫માં બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ જોખમી જણાયું હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી એટલે એ સમયના જવાબદાર અસિસ્ટન્ટ કમિશનરનાં નામ પણ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યાં છે.