ન્યૂઝ શોર્ટમાં: બાંદરામાં MSEBના હેડક્વૉર્ટર પ્રકાશગડમાં ભીષણ આગ લાગી

25 July, 2026 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું: બિલ્ડિંગના છઠ્ઠા માળેથી આ આગ શરૂ થઈ હતી. એ સમયે ત્યાં રોજિંદી વહીવટી કામગીરી ચાલી રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના બાંદરા-ઈસ્ટમાં આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (MSEB)ના મુખ્યાલય પ્રકાશગડમાં શુક્રવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી આ આગ શરૂ થઈ હતી. એ સમયે ત્યાં રોજિંદી વહીવટી કામગીરી ચાલી રહી હતી.

બિલ્ડિંગના છઠ્ઠા માળેથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને કંઈક બળવાની તીવ્ર ગંધ પ્રસરી ગઈ હતી, જેને પગલે સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધુમાડો બિલ્ડિંગના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગતાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીનાં પગલાંરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

માહિમની ૫૭ વર્ષ જૂની બ્રિસ્ટોલ બેકરી સહિત મુંબઈની પાંચ બેકરીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ ૬ ખાણી-પીણી અને બેકરીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે, જેમાંથી મોટા ભાગની મુંબઈમાં છે. ગુરુવારે હાથ ધરેલી કાર્યવાહીમાં મુંબઈમાં ૪ બેકરીને સ્ટૉપ-બિઝનેસ નોટિસ આપવામાં આવી હતી.રાજ્યભરમાં કુલ ૬૧ હોટેલ, રેસ્ટોરાં, ઢાબા અને બેકરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાંથી ૩૪ જગ્યા માટે નોટિસ અપાઈ, તાત્કાલિક અસરથી ૬ જગ્યાનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં અને ખાદ્ય સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન માટે ચારને સ્ટૉપ-બિઝનેસ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. માહિમની બ્રિસ્ટોલ બેકરી, અંધેરી-ઈસ્ટની અનમોલ બેકરી ઍન્ડ સ્ટોર્સ, ચેમ્બુરની મહારાષ્ટ્ર બેકરી ઍન્ડ રેસ્ટોરાં, ગોરેગામ-ઈસ્ટની સવા બેકરી ઍન્ડ રેસ્ટોરાં, દહિસર-વેસ્ટની ઉજ્જ્વલા બેકરીનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.

MBBS ગ્રૅજ્યુએટ્સ માટેનો અેક વર્ષનો ફરજિયાત બૉન્ડ રદ કરનાર મહારાષ્ટ્ર બન્યું દેશનું પ્રથમ રાજ્ય

મહારાષ્ટ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લઈને સરકારી, કૉર્પોરેશન સંચાલિત, એઇડેડ તેમ જ પ્રાઇવેટ બિન-અનુદાનિત મેડિકલ કૉલેજોમાંથી બૅચલર ઑફ મેડિસિન અૅન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS) પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે એક વર્ષની ફરજિયાત સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી સર્વિસ (બૉન્ડ-સર્વિસ) નાબૂદ કરી છે. આ સાથે જ આવી ફરજિયાત બૉન્ડ-સર્વિસ સંપૂર્ણપણે રદ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જોકે પોસ્ટ ગ્રૅજ્યુએટ (PG) અને સુપર સ્પેશ્યલિટી કક્ષાના અભ્યાસક્રમો માટે બૉન્ડ-સર્વિસની નીતિ યથાવત રહેશે. અેની સાથે-સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ડૉક્ટરોને સરકારી સંસ્થાઓમાં પોસ્ટિંગ આપી દેવાઈ છે તેમણે બૉન્ડમાં નિર્ધારિત એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવો જ પડશે.

ઘાટકોપર સ્ટેશન પર મેટ્રો અને લોકલ ટ્રેનમાં ઇન્ટરચેન્જ સરળ બન્યું : નવો એલિવેટેડ ડેક અને દક્ષિણ તરફનો FOB શરૂ થયો

મુંબઈના અત્યંત વ્યસ્ત એવા ઘાટકોપર રેલવે-સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)એ શુક્રવારે એક નવા એલિવેટેડ ડેક અને સાઉથ બાજુના ફુટ ઓવર બ્રિજ (FOB)ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. નવો શરૂ કરાયેલો પંચાવન મીટર લાંબો એલિવેટેડ ડેક હાલના મેટ્રો FOBને નવા સાઉથ બાજુના બ્રિજ સાથે જોડે છે. આનાથી મેટ્રો અને સબર્બન રેલવે-સર્વિસમાં ઇન્ટરચેન્જ કરતા હજારો મુસાફરો માટે અવરજવર અત્યંત સરળ અને સુગમ બની રહેશે. મેટ્રો સ્ટેશન સાથે સીધા સંપર્ક માટે ૬.૧ મીટર પહોળી સીડી બનાવવામાં આવી છે, જેથી લોકલમાંથી મેટ્રોમાં અને મેટ્રોમાંથી લોકલમાં જતા મુસાફરો આસાનીથી જઈ શકશે.

mumbai news mumbai bandra fire incident mumbai fire brigade