✕

હાઇવે પરના ઢાબા પર ગીત બદલવાના મામલે ગોળીઓ ચાલી, ૩ લોકો ઘાયલ

04 November, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટના રવિવારે રાતે ભિવંડીમાં આવેલી ટ્‍વીશા ફૅમિલી રેસ્ટોરાં ઍન્ડ ઢાબા ખાતે બની હતી

મુંબઈ-નાશિક હાઇવે પર આવેલી એક હોટેલમાં ગીત બદલવા બાબતે થયેલો સામાન્ય લાગતો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો

મુંબઈ-નાશિક હાઇવે પર આવેલી એક હોટેલમાં ગીત બદલવા બાબતે થયેલો સામાન્ય લાગતો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનામાં પિસ્તોલથી ગોળીબાર અને ધારદાર હથિયાર ચૉપર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે રાતે ભિવંડીમાં આવેલી ટ્‍વીશા ફૅમિલી રેસ્ટોરાં ઍન્ડ ઢાબા ખાતે બની હતી.

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ અનિકેત જાધવ રવિવારે મધરાત બાદ એકથી ૪ વાગ્યાની વચ્ચે તેના મિત્રો સાથે હોટેલમાં ગયો હતો. હોટેલની સાઉન્ડ-સિસ્ટમ પર સંગીત વાગી રહ્યું હતું ત્યારે તેણે સ્ટાફને ચાલુ ગીત બંધ કરીને એને બદલે મરાઠી ગીત વગાડવા કહ્યું હોવાનો આરોપ છે. ફરિયાદીના જૂથે સાઉન્ડ-બૉક્સને તેમના ટેબલની નજીક ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે વિવાદ વધુ વકર્યો હતો. નજીકમાં બેઠેલા ૪ લોકોએ આનો વિરોધ કર્યો, જેને કારણે શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં જોરદાર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

આ ઘટનામાં બે જૂથો સામેલ હતાં, જેમણે બાદમાં એકબીજા વિરુદ્ધ વળતી ફરિયાદો નોંધાવી છે. પોલીસે કુલ ૧૧ લોકોની ધરપકડ કરી છે. આ ઝઘડાનું CCTV કૅમેરાનું ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું.

mumbai news mumbai nashik bhandup