જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા હોય એ સ્કૂલે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા જોઈએ કે નહીં?

14 May, 2022 12:24 PM IST  |  Mumbai | Rohit Parikh

પવઈમાં આવેલી એક સ્કૂલે શરૂ કરેલી આ પહેલનું અનુકરણ કરવા જેવું છે કે નહીં એવું પૂછવામાં આવતાં શહેરની અનેક સ્કૂલોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું

જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા હોય એ સ્કૂલે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા જોઈએ કે નહીં?

કોવિડના સમયમાં અનેક લોકોએ તેમની નોકરી અને આવકના સ્રોત ગુમાવ્યા છે. આ લોકોની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમની પાસે બાળકોની સ્કૂલ અને કૉલેજની ફી ભરવાના પણ સાંસા થઈ ગયા છે. એની સીધી અસર તેમના બાળકોના શિક્ષણ પર પડી છે. જોકે પવઈની એક સ્કૂલના પ્રિન્સિપાલે તેમના વિદ્યાર્થીઓને આ મુદ્દે સહાયરૂપ થવા ક્રાઉડ ફન્ડની પહેલ કરી અને તેમની પાસે આજની તારીખમાં કૉલેજના વિદ્યાર્થીઓની ફી માટે ૯૫ ટકા રકમ જમા થઈ ગઈ છે. કેટલાક દાતાઓ કૉલેજના લાયક વિદ્યાર્થીઓને સ્પૉન્સર કરવા આતુર બન્યા છે. આ સ્કૂલના વિશ્વભરમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જ આમાં સૌથી મોટું ભંડોળ આપ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓએ સાથે મળીને એક કરોડ રૂપિયા જેટલી જંગી રકમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે દાન કરી છે. 

આ પ્રિન્સિપાલનું કેટલી સ્કૂલોના પ્રિન્સિપાલો અનુકરણ કરે છે કે અનુકરણ કરવા તૈયાર છે એ જાણવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી તો નવાઈ પમાડે એવી વાત એ હતી કે મોટા ભાગની સ્કૂલના પ્રિન્સિપાલે આ મુદ્દા પર બોલવાનું ટાળ્યું હતું. જેમની સાથે વાત થઈ હતી તેમનું કહેવું હતું કે અમારી સ્કૂલનું મૅનેજમેન્ટ અને અન્ય બિનસરકારી સંસ્થાઓ આ કાર્યમાં સાથસહકાર આપે જ છે. અમે વિદ્યાર્થીઓ ફીને કારણે ભણતા ન અટકી જાય એ માટે પ્રયાસો કરીએ જ છીએ. આમ છતાં જે માતા-પિતાને પ્રાઇવેટ સ્કૂલોની ફી પરવડતી નથી તેમને રાજ્યની કે બીએમસીની સ્કૂલોમાં અભ્યાસ કરવાની તૈયારી પણ રાખવી જોઈએ.

અમારું વિઝન અને મિશન સહાય થવાનું છે
ડૉ.સંગીતા શ્રીવાસ્તવ - પ્રિન્સિપાલ, એસવીપી વિદ્યાલય અને ટીપી ભાટિયા કૉલેજ ઑફ સાયન્સ, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, કાંદિવલી-વેસ્ટ

કોવિડના સમયમાં અમારી સ્કૂલનાં બાળકોને પણ દાતાઓ તરફથી ફીની સહાય મળી હતી. ગયા વર્ષે કોવિડના સમયમાં મુંબઈ કિડની ફાઉન્ડેશને એવા ઘણા વિદ્યાર્થીઓને મદદ કરી હતી જેમનાં માતા-પિતાએ નોકરી ગુમાવી દીધી હતી. કાંદિવલી એજ્યુકેશન સોસાયટીનું મૅનેજમેન્ટ ઘણા જરૂરિયાતમંદોને વિદ્યાર્થીઓને ફ્રીમાં અને શિષ્યવૃત્તિ દ્વારા સહાય કરે છે. અમારું મૅનેજમેન્ટ ખૂબ જ દયાળુ છે. અમારા વિદ્યાર્થીઓને ઑનલાઇન અભ્યાસ કરવા માટે એક વર્ષના ડેટા સાથેના સેલફોન જેવાં ઉપકરણોનો સપોર્ટ કરવામાં આવ્યો હતો. અમારું વિઝન અને મિશન જ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનું છે. અમારી સ્કૂલનો કોઈ પણ વિદ્યાર્થી ફીના અભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. આ અભિગમ વિદ્યાર્થીઓ અને ટીચરો માટે ખૂબ જ મદદરૂપ રહ્યો છે. અમે કોરાના દરમિયાન પણ આ અભિગમ અપનાવીને બાળકોને તેમના વાલીઓની કાળજી લેવામાં મદદગાર બન્યા હતા.

વાલીઓને યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન જરૂરી
ચેતના ઓઝા - પ્રિન્સિપાલ, શેઠશ્રી જી. એચ. હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ સાયન્સ, બોરીવલી-ઈસ્ટ

કોરોનાની પરિસ્થિતિમાં અમારી સ્કૂલના ટીચરો અને અમારા મૅનેજમેન્ટે વિદ્યાર્થીઓના અભ્યાસમાં નિયમિતતા અને વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ વગેરે યોજીને તેમને ઘણીબધી સુવિધાઓ પૂરી પાડી હતી. અમારા જુનિયર કૉલેજના વાલીઓના આવકના સ્રોત માટે તેમને પણ કામ આપવામાં આવ્યું હતું. આમ છતાં જે વાલીઓને ખાનગી સ્કૂલોની ફી ન પરવડતી હોય તેમનાં બાળકો માટે મુંબઈમાં ઘણી સરકારી સહાયતાથી અને બીએમસી સંચાલિત સ્કૂલો પણ છે. ત્યાં ફી વગર અથવા તો ઓછી ફી લઈને બાળકોને ભણાવવામાં આવે છે. આ સ્કૂલોના શિક્ષણના ધોરણ વિશે કોઈ શંકા હોય તો વાલીઓએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને એનો ઉકેલ લાવવો જોઈએ. વાલીઓની ફરિયાદોથી સમગ્ર તંત્ર સંતર્ક થઈ જશે અને તેઓ સરકારી કર્મચારીઓના પગાર માટે કરદાતાનાં નાણાંનો ઉપયોગ કરશે નહીં. અમે પવઈની સ્કૂલના પ્રિન્સિપાલે કરેલી પહેલની પ્રશંસા કરીએ છીએ, પણ એની સાથે લોકોને પણ યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન આપવું જોઈએ. 

Mumbai mumbai news rohit parikh