મને જેલમાં નાખો, હું તો કૃષ્ણ નથી; પણ તમે કંસ નથી એવું કહી શકશો?

26 March, 2022 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વિધાનભવનમાં વિરોધ પક્ષના આક્ષેપોનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન જોરદાર ગિન્નાયા હતા

બજેટસત્રના અંતિમ દિવસે ગઈ કાલે વિરોધ પક્ષના પ્રસ્તાવના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યા હતા. (ફાઇલ તસવીર )

શાસક પક્ષના નેતાઓ અને પોતાના પરિવારના સભ્યો પર સેન્ટ્રલ એજન્સીનો ઉપયોગ કરીને રેઇડ પાડવાના સ્થાને હિંમત કરો અને મને જેલમાં નાખો એવા શબ્દોમાં વિરોધ પક્ષ અને એક સમયના પોતાના સાથી-પક્ષ પર શાબ્દિક પ્રહાર કરતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાના અંતિમ દિવસે વિરોધ પક્ષના પ્રસ્તાવનો આકરા શબ્દોમાં જવાબ વાળ્યો હતો. એક સમયે તેમણે વિરોધ પક્ષ સામે ગુસ્સો ઠાલવતાં કહ્યું હતું કે ‘મને જેલમાં નાખો, હું તો કૃષ્ણ નથી, પણ તમે કંસ નથી એવું કહી શકશો?’

તેમના સાળા વિરુદ્ધ ઈડીની કાર્યવાહી પર ચુપ્પી તોડતાં તેમણે કહ્યું કે ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) સરકારની દોરવણી પ્રમાણે કામ કરી રહી છે. મારી સાથે સીધી લડત લડવાને બદલે મારા પરિવારની બદનામી કરી રહી છે. ઇન્દિરા ગાંધીમાં હિંમત હતી કટોકટી લાદવાની, પરંતુ બીજેપી સીધી જાહેરાત કર્યા વિના કટોકટી લાદી રહી છે.’

બીએમસીમાં ભ્રષ્ટાચારના આરોપને પાયાવિહોણો ગણાવતાં તેમણે કહ્યું હતું કે ‘નવાબ મલિકનું રાજીનામું માગવાને બદલે જો તેમના દાઉદ સાથે સંબંધો છે તો કેન્દ્રીય એજન્સીઓ દાઉદને કેમ શોધી નથી શકતી.’

બીજેપીએ અગાઉ મત મેળવવા માટે રામના નામનો ઉપયોગ કર્યો હતો અને હવે કદાચ દાઉદના નામનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે ‘બરાક ઓબામાએ જેમ ઓસામા બિન લાદેનને તેના જ ઘરમાં ઠાર માર્યો હતો એમ તમે દાઉદને કેમ મારી નથી શકતા.’

બીએમસીમાં ભ્રષ્ટાચાર નથી
મુંબઈના વિકાસ માટે બીએમસીએ ઘણું કર્યું છે એમ કહેતાં તેમણે સરકારી સ્કૂલો, હેલ્થકૅર અને સૅનિટેશન સુવિધાઓ તથા વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામેલા કોવિડ-19 કૅર મૉડલનો ઉલ્લેખ કર્યો હતો. અન્ય કોઈ રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં જમ્બો કોવિડ કૅર સેન્ટર નથી એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું. 

મુખ્ય પ્રધાને માત્ર અક્કડતા બતાવી, જવાબ નથી આપ્યા : ફડણવીસ

વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સંબોધન વિશે બોલતાં કહ્યું કે ‘તેમણે વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવાને બદલે માત્ર પોતાની અક્કડ દાખવી છે. તેમનું સંબોધન સરકાર પર કરાયેલા ગંભીર આરોપના જવાબને બદલે શિવાજી પાર્ક પર આપેલી સ્પીચ જેવું વધુ લાગતું હતું. અમે તમામ આક્ષેપો સામે પુરાવા આપ્યા છે, પરંતુ તેમણે એનો કોઈ ઉત્તર વાળ્યો નથી. ઑક્સિજન સપ્લાય પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર, બીએમસીનું નબળું આર્થિક મૅનેજમેન્ટ, ટૅબ તેમ જ વૉટર પ્યૉરિફાયરની ખરીદીમાં કૌભાંડ, ઝૂના ટેન્ડરિંગમાં અવ્યવસ્થા -  શાસક પક્ષ વિરુદ્ધ મુદ્દાઓની લાંબી લાઇન છે, પરંતુ એકનો પણ જવાબ તેમની પાસે નથી. તેમના જવાબમાં માત્ર તેમની અક્કડ છલકાય છે.’

mumbai mumbai news indian politics devendra fadnavis uddhav thackeray dharmendra jore