શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ અસોસિએશનના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિની ઉજવણી ૧૪ એપ્રિલે

11 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૫ વર્ષ પૂર્ણ કરનાર શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ અસોસિએશનની અમૃત મહોત્સવ ઉજવણી અને ટેક્સટાઇલ સુવેનિયરના વિમોચનનો સમારોહ ૧૪ એપ્રિલે

ધીરુભાઈ અંબાણી અને વર્તમાન પ્રમુખ નીરજ મહેતા

૩૦ વર્ષ સભ્ય રહેનાર રિલાયન્સના ધીરુભાઈ અંબાણીને મરણોત્તર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ અપાશે

૭૫ વર્ષ પૂર્ણ કરનાર શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ અસોસિએશનની અમૃત મહોત્સવ ઉજવણી અને ટેક્સટાઇલ સુવેનિયરના વિમોચનનો સમારોહ ૧૪ એપ્રિલના સોમવારે સાંજે ચર્ચગેટ ખાતેના ગરવારે ક્લબ હાઉસના બૅન્ક્વેટ હોલમાં યોજાશે એવી જાણકારી વર્તમાન પ્રમુખ નીરજ મહેતાએ આપી હતી.

આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશી અને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા પધારશે. અતિથિવિશેષ તરીકે  ‘જન્મભૂમિ’ના તંત્રી પદ્‍‍મભૂષણ કુન્દન વ્યાસ અને ઑર્બિટ એક્સપોર્ટ્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર પંકજ શેઠ ઉપસ્થિત રહેશે.

શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ અસોસિએશનની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી. પ્રથમ મીટિંગ શેઠ શ્રી ગીરધરલાલ દ્વારકાદાસના પ્રમુખપદે મળી હતી. ત્યાર બાદ આ અસોસિએશને સિલ્ક અને આર્ટ સિલ્ક કાપડના વેપાર-ઉદ્યોગની પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ અસોસિએશન તેના સભ્ય વેપારીઓને આર્બિટ્રેશન સેવા, કાયદાકીય માર્ગદર્શન, શૈક્ષણિક સહાય પૂરી પાડે છે.
ધીરુભાઈ અંબાણી આ અસોસિએશનના ૩૦ વર્ષ સુધી સભ્ય રહ્યા હતા. વળી રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અસોસિએશનને શૈક્ષણિક સહાય સ્કૉલરશિપ માટે મળે છે. આ સમારોહમાં ધીરુભાઈ અંબાણીને મરણોત્તર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ જાહેર કરાશે. 

આ ઉપરાંત ૨૦૦૪થી ૨૦૧૧ સુધી પ્રમુખ રહેલા સ્વ. પ્રતાપરાય વી. મોદીનું, ૨૦૧૧થી ૨૦૧૯ સુધી પ્રમુખ રહેલા દિનેશ મહેતાનું અને ૨૦૧૯થી ૨૦૨૪ સુધી પ્રમુખ રહેલા નરેન્દ્ર ડી. મહેતાનું સન્માન કરાશે. આ ઉપરાંત સ્વ. બાલમુકુંદ કાપડિયાનું બહુમાન કરાશે. આ ઉપરાંત મૅનેજિંગ કમિટીના સભ્યો, ભૂતપૂર્વ ઑફિસ સેક્રેટરી સ્વ. શરદ શાહ અને વર્તમાન સ્ટાફના સભ્યોનું બહુમાન કરાશે. અસોસિએશનના સૌથી જૂના સભ્ય મે. પંડિત વાસુદેવ મણિલાલનું પ્રેમજી ખુશાલ અને કુ. રાયચંદ રીખબદાસનું સન્માન કરાશે. શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ અસોસિએશનના વર્તમાન પ્રમુખ નીરજ બી. મહેતા છે. ઉપપ્રમુખ અશ્વિન જે. મલકાન છે. માનદમંત્રી જયંતીલાલ કે. જૈન અને દેવાંગ એ. શાહ છે. ખજાનચી અશોક જૈન છે.

mumbai news mumbai reliance gujaratis of mumbai gujarati community news