02 June, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ જમીન નિર્મૂલન અધિનિયમ 2026ના પ્રસ્તાવિત કાયદાથી હિન્દુઓ વર્ષો જૂની પ્રૉપર્ટી પરથી હક ગુમાવે એટલું જ નહીં, જે લોકો ગેરકાયદે રીતે ૨૦૧૧ પહેલાં રહેતા હોય તેઓ આ જમીન પર પોતાનો હક જતાવી શકે છે તેમ જ સરકાર એને કાયદા પ્રમાણેના ભાવથી પણ નીચેના ભાવે રૂપિયા લઈ અથવા તો મફતમાં પણ આ જમીન તેમના નામે કરી શકે છે.
આશ્ચર્ય એ છે કે આ કાયદો માત્ર હિન્દુ મંદિરોને લાગે છે, વક્ફ બોર્ડને કે ક્રિશ્ચિયનોને આ કાયદો લાગતો નથી.
મહારાષ્ટ્રમાં આ અંગે મંદિર ભૂમિ સંરક્ષણ દ્વારા અનેક હિન્દુ મંદિરોએ આ કાયદાનો જબરદસ્ત વિરોધ શરૂ કર્યો છે અને જો આ કાયદો અસ્તિત્વમાં આવે તો મોટું આંદોલન તેમ જ કાયદાની કોર્ટમાં એને ચૅલેન્જ કરવામાં આવી શકે એમ છે.
આ અંગે સરકારે લોકોનાં વાંધા અને સૂચનો ૨૦૨૬ની પાંચમી જૂન પહેલાં મગાવ્યાં છે.
આ પ્રસ્તાવિત બિલની કલમ 2(8) અને 2(18) દ્વારા એ સુનિશ્ચિત થયું છે કે આ બિલ જૈનોને પણ એટલું જ લાગુ પડે છે. જો તમે પાંચમી જૂન પહેલાં આ કાયદાનો વિરોધ નહીં નોંધાવો તો સરકાર દર વખતે કહેતી હોય છે એમ કહેશે કે કોઈનો વિરોધ જ નથી તો પછી કાયદો લાવવામાં વાંધો શું છે અને આપણી કમનસીબી એ છે કે આપણે આગ લાગે પછી જ કૂવો ખોદીએ છીએ. આ કાયદાની જોગવાઈઓ વાંચીને એનો સખત વિરોધ કરવો અત્યંત જરૂરી છે. નહીં તો બાપદાદાઓએ કે દાનવીરોએ ભેટ આપેલી જમીનો દેવસ્થાનના પૂજારીઓ કે ગેરકાયદે વસતા લોકો દ્વારા એને સહેલાઈથી એક નાની ઍપ્લિકેશન દ્વારા હસ્તગત કરી શકાય છે.
હિન્દુઓનાં મંદિરોની રક્ષા માટે જેમણે અનેક કાર્યો કર્યાં છે અને રામ મંદિર જેવાં મંદિરોની પ્રતિષ્ઠા કરી છે એ સરકારનો આશય શું છે એ પણ પ્રસ્તાવિત બિલમાં જણાવવામાં
આવ્યો નથી.
આ બિલની કલમ નંબર ૩ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે દાનમાં મળેલી જમીન પર અત્યાર સુધી ટૅક્સ લેવામાં આવતો નહોતો એ છૂટ સમાપ્ત થઈ જાય છે અને દરેક ટ્રસ્ટે સરકારને હવે દાનમાં મળેલી જમીન પર પ્રૉપર્ટી-ટૅક્સ ચૂકવવો પડશે.
આ બિલની કલમ નંબર ૪ અને ૬ દ્વારા એવું સૂચવવામાં આવ્યું છે કે આપણાં મંદિરો અને દેરાસરમાં પેઢીઓથી જે લોકો સેવા આપતા હોય તેમને નીચલી કક્ષાના માલિક ગણવામાં આવશે અને ભવિષ્યમાં તેઓ ઑક્યુપન્ટ ક્લાસ 1 તરીકે આ જમીન પર પોતાનો માલિકીહક રજિસ્ટર કરાવી શકશે એટલું જ નહીં, ૨૦૧૧ની પહેલી જાન્યુઆરી પહેલાં કોઈએ ગેરકાયદે રીતે મંદિરોની જમીન પર અધિકાર મેળવ્યો હશે તો તેમને આજની જમીનની માર્કેટવૅલ્યુ અથવા તો એથી ઓછા ભાવે સરકાર રૂપિયા લઈને આવા ગેરકાયદે લોકોને પણ માલિક બનાવી શકે છે. ગામડાંઓમાં રહેવાવાળાઓને તો આ જમીન તદ્દન મફતમાં મળી શકે એમ છે. એમ કહેવાય છે કે લગભગ ૪ લાખ હેક્ટર જમીનને આનાથી અસર થશે અને વર્ષોથી જે મંદિરો આ જગ્યા વાપરે છે એ હવે વ્યક્તિગત અથવા તો ગેરકાયદે લોકોના હાથમાં ચાલી જવાની શક્યતા ઊભી થાય છે.
કોઈ પણ કાયદો લાવતાં પહેલાં સરકારે એના હેતુઓ સ્પષ્ટ કરવા જોઈએ એટલું જ નહીં, લોકોમાં આની ખૂબ જાગૃતિ ફેલાવવી જોઈએ. આ અંગે મીટિંગો કરીને સરકારે લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ અને એના માટે વ્યાપક પારદર્શક પરામર્શની પ્રક્રિયા અનિવાર્ય છે.
ડ્રાફ્ટ નોટિફિકેશનમાં વાંધા અને સૂચનો નોંધાવવા માટે માત્ર ડિવિઝનલ કમિશનરની ઑફિસ એટલું જ લખ્યું છે, પરંતુ એનું સંપૂર્ણ પોસ્ટલ ઍડ્રેસ આપવામાં આવ્યું નથી તેમ જ સંપર્ક વિગતો કે ઈ-મેઇલ ID લખ્યાં નથી. મહારાષ્ટ્રમાં ૩૬ જિલ્લા છે, ૬ ડિવિઝનલ કમિશનરની ઑફિસ છે. તો કોણે ક્યાં વિરોધ નોંધાવવો એ સામાન્ય લોકોની સમજની બહાર હોય છે.
સામાન્ય રીતે સરકાર કોઈ નવો કાયદો લાવે તો જલદી પાછો ખેંચવાના મૂડમાં હોતી નથી અને કમિટીઓ બનાવીને થોડા નાના-મોટા ફેરફારો કરીને ગમે એમ કરીને પ્રસ્તાવિત કાયદો અમલમાં મૂકવાની સરકારી બાબુઓની વર્ષો જૂની રીતરસમો હોય છે એટલે હિન્દુ અને જૈન મંદિરોના ટ્રસ્ટીઓએ પોતાના લેટરપેડ પર ડિવિઝનલ કમિશનર ઑફિસમાં હૅન્ડ-ડિલિવરી અથવા સ્પીડ-પોસ્ટ દ્વારા પોતાના શબ્દોમાં પોતાનાં સૂચનો અને વાંધાઓ તરત નોંધાવવાં અત્યંત જરૂરી છે. નહીંતર એક વખત આ કાયદાનું સ્વરૂપ લઈ લેશે તો રાતા પાણીએ રોવાનો વારો આવશે.
આપણે ઇચ્છીએ કે મહારાષ્ટ્રની સરકાર ડહાપણભર્યું પગલું લે અને આ કાયદો મૂળથી જ રદબાતલ કરે તેમ જ પ્રસ્તાવિત કાયદાનાં ગંભીર પરિણામોને સમજવા મુખ્ય ટ્રસ્ટોના અધિકારીઓની મીટિંગ બોલાવે, સૂચનો નોંધાવવાની તારીખ 5-7-2026 કરી નાખે અને આ કાયદો લાવવા પાછળના આશય અને હેતુઓને જાહેર કરે. નહીં તો ભવિષ્યમાં એક નવું આંદોલન થવાની પૂરેપૂરી શક્યતા જણાય છે.