29 May, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડના શ્રી મારુતિ મંદિર ટ્રસ્ટમાં મહાદેવના શિવલિંગ પર બિરાજતો ચાંદીનો નાગ સવારે આરતી થઈ ત્યાર બાદ ગર્ભગૃહમાં કોઈ નહોતું ત્યારે ચોર ચોરી ગયો હતો.
મુલુંડ-વેસ્ટમાં સ્ટેશન પરિસરમાં આવેલા શ્રી મારુતિ મંદિરમાંથી શિવલિંગ પર બિરાજતા ચાંદીના નાગની ચોરી થઈ હોવાની ઘટના બુધવારે સવારે બની હતી. આ ઘટનાને ૪૮ કલાક કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી ચોર પોલીસના હાથમાં આવ્યો નથી. ચોરની હિંમત એટલી હતી કે પૂજા કર્યા બાદ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હોવા છતાં તે ચોરી કરીને નાસી ગયો હતો.
ચોરીની ઘટના વિશે માહિતી આપતાં મંદિરના પૂજારી ભાવેશ જોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સવારે આરતી પૂરી થઈ ત્યાર પછી સાડાસાતથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન ગર્ભગૃહમાં કોઈ નહોતું ત્યારે ચોરી થઈ હતી. પૂજા બાદ શ્રદ્ધાળુઓ અને મારા મોટા ભાઈ મંદિર પરિસરમાં જ હતા છતાં ચોરી થઈ હતી. એમાં દુર્ભાગ્યે મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરાની હાર્ડ ડિસ્ક બગડી ગઈ હોવાથી વિડિયો ફુટેજ પણ નથી. આસપાસના CCTV કૅમેરામાં પણ ચોર ઝડપાયો નથી.’
આ વિશે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હજી સુધી ચોરો હાથમાં ન આવ્યા હોવાથી શ્રદ્ધાળુઓ હતાશ છે.
જ્વેલર્સ અને જ્વેલર્સ અસોસિએશનોને મદદ માટે વિનંતી
મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે ચોરી થયેલો ચાંદીનો નાગ મહાદેવનું આભૂષણ છે અને એની સાથે શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલા વૉટ્સઍપ સંદેશમાં જ્વેલર્સ અને જ્વેલર્સ અસોસિએશનોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ચાંદીનો નાગ વેચવા, ગિરવી મૂકવા કે પછી એને પિગાળવા આવે તો તરત મંદિર ટ્રસ્ટને કે પોલીસને જાણ કરવી.